ખેડા જિલ્લામાં ઓનલાઇન ઠગાઈના બે કિસ્સા:માતરના બામણગામમાં લોનનું પ્રલોભન આપી તો કપડવંજમાં છેતરાયેલા મિત્રની મદદ કરવા જતાં નાણાં ગુમાવ્યા

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેસલેસના સમયમાં સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે. ખેડા જિલ્લામાં આજે વધુ બે સાયબર ક્રાઇમના બનાવો પોલીસ ચોપડે નોધાયા છે. જેમાં માતરના બામણગામમાં લોનનું પ્રલોભન આપી ગઠિયાએ રૂપિયા 5,340 તો કપડવંજમાં છેતરાયેલા મિત્રની મદદ કરવા જતાં રૂપિયા 1.10 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બંન્ને બનાવો મામલે હદ ધરાવતા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

પંકજકુમારે પોતાના માગેલા ડોક્યુમેન્ટ ઉપરોક્ત નંબર પર વોટ્સઅપ કર્યા
માતર તાલુકાના બામણગામ ખાતે રહેતા 35 વર્ષીય પંકજકુમાર જલારામભાઈ ચાવડાને ગત 24 ડીસેમ્બર 2022ના રોજ પોતાના મોબાઈલ પર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેને પોતાની ઓળખાણ આણંદથી અલ્ટીમેટ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી નીતિનભાઈ જાની બોલે છે તેમ કહ્યું હતું. અને આ સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે, તમારે લોનની જરૂર છે જેથી પંકજકુમારે જણાવ્યું કે મારે ત્રણ લાખની લોનની જરૂર છે. જેથી આ વ્યક્તિએ તેમના ડોક્યુમેન્ટ વોટ્સએપ દ્વારા મોકલી આપવા જણાવ્યું હતું. આથી પંકજકુમારે પોતાના માગેલા ડોક્યુમેન્ટ ઉપરોક્ત નંબર પર વોટ્સઅપ કર્યા હતા.

સૌપ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ નોંધાવી
આ પછી ત્રણેક દિવસ બાદ આ નીતિનભાઈ જાનીનો પંકજકુમાર ઉપર ફોન આવેલો અને જણાવ્યું હતું કે તમારી લોન માટે બેંક સાથે એગ્રીમેન્ટ કરવાનું છે. જેથી તમે તમારા મોબાઈલ નંબર પરથી આ નંબર ઉપર રૂપિયા 5 હજાર 340 મોકલી આપો. આથી પંકજકુમારે ગુગલ પે મારફતે આ નાણાં મોકલી આપ્યા હતા. બાદમાં પંકજકુમારે વારંવાર ઉપરોક્ત મોબાઇલ પર સંપર્ક કરવાની કોશિશ કરતા આ વ્યક્તિએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. જેથી પંકજકુમારને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં સૌપ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર અને એ બાદ આજે લીંબાસી પોલીસ મથકે ઉપરોક્ત નંબર ધારક નીતીન જાની નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પ્રિયંકભાઈના મોબાઈલ પર એપ્લિકેશન ડાઉનલોડ કરાવી
અન્ય બનાવ કપડવંજ પંથકમાં બન્યો છે. કપડવંજ શહેરના જાપલીયાપોળ વિસ્તારમાં રહેતા 37 વર્ષિય પ્રિયંકભાઈ અરૂણભાઇ દરજી પોતે બે અલગ અલગ બેંકમાં ખાતા ધરાવે છે. ગત 29 જાન્યુઆરી 2022ના રોજ પ્રિયંકભાઈ પોતાની નોકરી પર હાજર હતા. ત્યારે તેમના મિત્ર મહિપાલસિંહ ડાભી (રહે.શત્રુડા, મહેમદાવાદ)નાએ જણાવ્યું કે મેં ઓનલાઇન વોચ મંગાવેલી હતી અને તેનું કુરિયર આવતા વોચની જગ્યાએ ડ્રેસ નીકળેલો હતો અને મેં કેસ ઓન ડિલિવરી મારફતે રૂપિયા 450 ચૂકવેલા છે. આ બાબતે કુરીયરના કસ્ટમરકેરમા વાત કરતા આ સમયે પ્રિયંકભાઈ પણ જોડે હતા. ત્યારે કસ્ટમર કેરના વ્યક્તિએ કહ્યું કે મની ટ્રાન્સફરની કોઈ એપ્લિકેશન વાપરતાં હોય તો જણાવો જેથી મહિપાલસિંહે પોતાના મિત્ર પ્રિયંકભાઈના મોબાઈલ નંબર આપ્યો હતો અને તેમની સાથે વાત કરતા હતા પ્રિયંકભાઈના મોબાઈલ પર એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.

બે અલગ અલગ એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 1 લાખ 10 હજાર 458 ઉપડી ગયા
આ બાદ બીજા દિવસે પ્રિયંકભાઈના મોબાઈલ ફોન પર ધડાધડ નાણાં કપાવવાના મેસેજો આવતાં તેઓએ પોતાનું બેંક એકાઉન્ટ બંધ કરાવ્યું હતું અને બીજા એકાઉન્ટમાંથી પણ નાણા જતાં રહ્યા હોવાનું પ્રિયંકભાઈને ધ્યાને આવ્યું હતું. આમ બે અલગ અલગ એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 1 લાખ 10 હજાર 458 ઉપડી ગયા હતા. આ બાબતે જે તે સમયે સાયબર હેલ્પલાઇન પર અને આજે સમગ્ર બનાવ મામલે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...