રાહદારીઓને હાલાકી:નડિયાદમાં દાંડી રોડ પરનો ડામર પીગળતા કેટલાય લોકો રોડ પર પડ્યા, નાની મોટી ઈજાઓ પણ થઈ

નડિયાદ25 દિવસ પહેલા
  • ચંપલો ડામરમા ચોંટી જતાં ચંપલ મૂકી ઉઘાડા પગે જવાનો વારો આવ્યો

નડિયાદમાં દાંડી રોડ પરનો ડામર પીગળવાની ઘટના પ્રકાશમાં આવી છે. અહીયા આજે થોડા થોડા અંતરે ડામર પીગળતા લોકો હેરાન પરેશાન થયા છે. વાહનચાલકોથી માંડીને રાહદારીઓ પણ ધબાક દઈને રોડ પર ભોંય પડ્યા છે. તો વળી કેટલાક રાહદારીઓના તો ચંપલો ડામરમા ચોંટી જતાં ચંપલ મૂકી ઉઘાડા પગે જવાનો વારો આવ્યો છે.

ડસ્ટ પુરતા પ્રમાણમાં ન પાથરતા રોડ પીગળ્યો
નડિયાદમાં હાર્દસમા વિસ્તારમાંથી પસાર થતો દાંડી માર્ગ જેની કામગીરી લઈને ફરી એક વખત વિવાદમાં સપડાયો છે. શનિવારે અહીયા ડામર પીગળતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે હજુ થોડા દિવસો પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો છે. જોકે તેના પર સરખા પ્રમાણમાં ડસ્ટ ન પાથરવામાં આવતા સામાન્ય તાપમાનમા આ ડામર ઓગળ્યો છે. છાશવારે રોડ તૂટતા અહીયા છાશવારે એજન્સી મારફતે કામ લેવાઈ મરામત કરવામા આવી રહ્યું છે. હવે આજે ડામર પીગળતા કામગીરી પર અનેક સવાલો સ્થાનિકોએ ઉઠાવ્યા છે.

સ્થાનિકોને પ્લાસ્ટિક અને કંતાનના કોથળા મુકવાની ફરજ પડી
શનિવારે એટલી હદે ડામર પીગળ્યો કે વાહનચાલકો વાહનો સાથે સ્લીપ ખાઈ ગયા તો રાહદારીઓ તો રોડ પર જ ધબાક દઈને પડ્યા. તેમાં ખાસ કરીને વૃધ્ધ અને બાળકોની તો કફોડી હાલત બની હતી. અરે અમૂક લોકોના તો પીગળેલા ડામર પર જ ચંપલ ચોટી જતાં ચંપલ મૂકીને ઉઘાડા પગે જવું પડ્યું હતું. બસ સ્ટેન્ડ, સંતરામ રોડ, પારસ સર્કલ અને મહાગુજરાત વિસ્તારના મુખ્ય રોડ પર ડામર પીગળતા હાલાકી જોવા મળી હતી. આમા બસ સ્ટેન્ડ પાસે તો લોકોને રોડ ક્રોસ કરવો ભારે પડ્યો હતો. અહીયા બહોળી માત્રામાં રોડ પર ડામર પીગળતા બસ મથક તરફ જતાં કેટલાય મુસાફરો રોડ પર પડ્યા છે. સ્થાનિકોએ અહીંયા પ્લાસ્ટિક અને કંતાનના કોથળા મૂક્યા હતા જેના પરથી રાહદારીઓ રસ્તો ઓળંગતા નજરે પડ્યા હતા. આમ છતાં પણ કેટલાય લોકો અહીયા રોડ પર પડ્યા હતા. અહીયાથી પસાર થવુ લોકોને ભારે પડ્યું હતું.

કામગીરી પર અનેક સવાલો ઉભા થયા
બપોરે 12 વાગ્યાથી ડામર પીગળવાની ઘટના બાદ 4 વાગ્યા સુધી તંત્ર એ નિરસતા દાખવતાં અનેક લોકોને આ વિસ્તારમાંથી પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. અગાઉ પણ સ્ટેશન રોડ, ડભાણ રોડ, ડાકોર રોડ ઓગળતા લોકોને ભારે હાલાકી પડી હતી. પરંતુ તે સમય ઉનાળાનો હતો પરંતુ હાલ ચોમાસાની સિઝનમાં જો રોડ પીગળે તો તેની ટકાવ કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...