ઓનલાઇન ઠગાઈ:ખેડામાં વધુ એક વેપારી ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યો, ક્રેડીટ કાર્ડ બંધ કરાવવાની પ્રોસેસમાં હજારો ગુમાવ્યા

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં ઓનલાઇન ઠગાઈના કિસ્સાઓ વધવા લાગ્યા છે. ગતરોજ એક અધિકારી આવા ફ્રોડના શિકાર બન્યા છે અને આ મામલે ગુનો નોંધાયો છે. ત્યાં ખેડા ટાઉનમાંથી ઓનલાઇન ઠગનો કિસ્સો ઉજાગર થયો છે. જેમાં એક વેપારી ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યા છે. વેપારીએ પોતાના ધંધાના કામે લીધેલું ક્રેડીટ કાર્ડ વપરાશમાં ન આવતાં વેપારીએ આ ક્રેડીટ કાર્ડ બંધ કરાવવા પ્રોસેસ કરી અને ઓનલાઇન ઠગનો ભોગ બની રૂપિયા 69‌ હજાર 998 રૂપિયા ગુમાવ્યા છે. આ મામલે વેપારીએ ખેડા ટાઉન પોલીસમા ફરિયાદ નોધાવી છે.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગની જરૂર પડી ન હતી અને વપરાશમા પણ લીધુ નહોતું
ખેડા શહેરના સૈયદવાડા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય ઈમ્તિયાઝઅલી નુરમીયા સૈયદ શહેરના બજાર વિસ્તારમાં પારસબુક નામની સ્ટેશનરીની દુકાન ચલાવે છે. વર્ષ 2018ની સાલમાં તેમને પોતાના ધંધામાં ક્રેડિટ કાર્ડ લેવું હોવાની તાતી જરૂર ઊભી થતા તેઓએ પોતાના એસબીઆઈ બેન્ક ખેડા બ્રાન્ચ ખાતેથી ક્રેડિટ કાર્ડ મેળવ્યું હતું. જોકે આ બાદ આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગની જરૂર પડી ન હતી અને વપરાશમા પણ લીધુ નહોતું.

ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી બોલું છું ઓટીપી મેળવી વેપારીને ચૂનો ચોપડ્યો
આમ છતાં પણ ક્રેડિટ કાર્ડમાંથી ચાર્જિસ પેટે રકમની કપાત થઈ હતી. જેથી ઈમ્તિયાઝઅલી સૈયદે આ ક્રેડિટ કાર્ડ બંધ કરવા બેંકમાં પ્રોસેસ કરી હતી. અને બેંકના સત્તાધીશોએ ઈમ્તિયાઝઅલીને જણાવ્યું હતું કે, ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી તમારા મોબાઇલ ઉપર ફોન અથવા તો મેસેજ આવશે અને તમારું ક્રેડિટ કાર્ડ બંધ થઈ જશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ 3 સપ્ટેમ્બરના રોજ બપોરના સુમારે તેઓ નમાજ પઢવા પોતાના ઘરેથી બહાર ગયા હતા અને મોબાઈલ ઘરે હતો આ દરમિયાન અજાણ્યા મોબાઇલ કાર્ડ ધારકે ઈમ્તિયાઝઅલીને ફોન કર્યો હતો અને તેમની પત્નીએ ફોન ઉપાડ્યો હતો. આ દરમિયાન સામેથી આ મોબાઇલ કાર્ડ ધારકે ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી બોલું છું અને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા બાબતે ક્રેડિટ કાર્ડનો ફોટો તથા આધારકાર્ડનો ફોટો આપી મોબાઇલમાં ઓટીપી પડે તે પણ આપ્યો હતો. આ બાબતની જાણ પત્નીએ ઈમ્તિયાઝઅલીને પણ કરી હતી.

પોતાની સાથે ફ્રોડ થયું હોવાનો અહેસાસ થતાં વેપારીએ ફરિયાદ કરી
આ પછી ઈમ્તિયાઝઅલી ખેડા ખાતેની બ્રાન્ચમાં ગયા હતા જ્યાંથી બેંક દ્વારા જણાવવામાં આવેલ કે અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં ક્રેડિટ કાર્ડની મેન ઓફિસ છે ત્યાં જઈને તપાસ કરો. જેથી ઈમ્તિયાઝઅલી અહીયા તપાસ કરતાં તેમને જાણવા મળ્યું હતું કે તેમના ક્રેડિટ કાર્ડમાંથી 3 સપ્ટેમ્બરના રોજ રૂપિયા 69 હજાર 998 ડેબીટ થયા હતા. જેથી ઈમ્તિયાઝઅલીને પોતાની સાથે ફ્રોડ થઈ હોવાનો અહેસાસ થતાં સમગ્ર મામલે આજે અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે ખેડા ટાઉન પોલીસમા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...