નડિયાદ પાસેના ડભણ-કમળા રોડ પર થોડા દિવસો પહેલા એક હીટ એન્ડ રનની ઘટના બની હતી. એક આઇસર ચાલકે પોતાની આઇસર બેફિકરાઈ અને પૂરઝડપે હંકારી એક CNG રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષામાં સવાર બે મહિલાઓને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને શરીરને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ભાગી ચૂકેલા આઇસર ચાલકને પોલીસે પકડી પાડ્યો છે.
આઈસર ચાલકે જાતે આ આકસ્માત સર્જી ભાગ્યો હોવાની વાત પોલીસ સમક્ષ જણાવી
નડિયાદ નજીક અકસ્માત કરીને ભાગી ચુકેલ આઇસર ચાલકને શોધવા માટે નડિયાદ રૂલર પોલીસ મથકના પી.આઇ વી.પી. ચૌહાણની ટીમ કામે લાગી હતી. પોલીસે રૂટ ઉપર આવતા તમામ ખાનગી સી.સી.ટી.વી ફુટેજ તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ (નેત્રમ) દ્વારા બનાવવાળી જગ્યાની આજુબાજુ લગાવવામા આવેલ સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા બનાવ સમયે આઇસર ગાડી નંબર. (GJ 07 T.T 9214) શંકાસ્પદ જણાઇ આવી હતી. જેથી ઇ-ગુજ કોપ દ્રારા આઇસર ગાડીના માલિકનું નામ સરનામુ મેળવી આઇસર ચાલકની હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ હાથ ધરતા આરોપી આઇસર ચાલક મળી આવતા તેની સઘન પુછપરછ કરી હતી.
આરોપી અલ્પેશભાઇ ભારતસિંહ પરમાર (રહે.લાડવેલ ચોકડી તા.કઠલાલ જી.ખેડા)નાઓએ આ અકસ્માત પોતાનાથી બનેલ હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે આ અંગે તેની સામે અકસ્માતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.