ઉગ્ર રજૂઆત:દુષ્કર્મ કેસના આરોપી આચાર્યને પુન: ફરજ પર લેવાશે તો આંદોલન: વાલીઓની ચિમકી

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2018માં શિક્ષિકાને આચાર્યા બનાવવાની લાલચ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાતા જતીન પટેલને સસ્પેન્ડ કર્યો હતો
  • કપડવંજની શેઠ એમ.પી. મ્યુનિ. હાઈસ્કૂલનો વિવાદ
  • સત્તાધીશોની હિલચાલ સામે રોષ : નગર પાલિકા પ્રમુખને આવેદન આપી ઉગ્ર રજૂઆત

કપડવંજ પાલિકા સંચાલિત શેઠ એમ.પી.મ્યુનિ. હાઈસ્કૂલ પૂર્વ આચાર્યને પુનઃ ફરજ પર લેવાની તજવીજ હાથ ધરાતા સમગ્ર મામલો ગરમાયો છે. શાળામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પાલિકા પ્રમુખને આવેદન આપી પૂર્વ આચાર્ય જતીન પટેલને પુનઃ ફરજ પર ન લેવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તેઓને ફરજ પર હાજર કરાશે તો વાલીઓ દ્વારા આંદોલન કરાશે.

કપડવંજ નગરપાલિકા સંચાલિત શેઠ એમ.પી. મ્યુનિ. હાઈસ્કૂલમાં વર્ષ 2018 માં જતિન પટેલ આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન તેમની સાથે જ ફરજ બજાવતી અન્ય શિક્ષિકાને આચાર્ય બનાવવાની લાલચ આપી 21 નવેમ્બર 2018ના રોજ અમદાવાદ સ્થિત હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું. જે બાદ તેણી સાથે કઢંગી હાલતમાં સેલ્ફી પણ લીધી હતી. જે ફોટા ડીલીટ કરવા કહેતા વોટ્સએપ ગ્રૃપમાં બિભત્સ ફોટા વાઇરલ કરી દેવાયા હતા. જે મામલે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેથી સસ્પેન્ડ કરાયો હતો.

હાલમાં સમગ્ર કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને પૂર્વ આચાર્ય જામીન પર બહાર ફરે છે. ત્યારે આવા કથિત દુષ્કર્મ કેસના આરોપીને પુનઃ આચાર્ય પદ પર આરૂઢ કરવા પાલિકાના કેટલાક સત્તાધીશોએ કાર્યવાહી શરૂ કરતા સમગ્ર મામલો આગની જ્વાળાની જેમ વાલીઓ સુધી પહોંચી ગયો છે. જેનાથી રોષે ભરાયેલા વાલીઓએ પાલિકા પ્રમુખને અાવેદન અાપી જતીન પટેલને પુનઃ આચાર્ય પદે હાજર કરવામાં આવશે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

આવા શિક્ષકને રાખીએ તો છાત્રોની સલામતી શું?
પોલીસ ફરિયાદ થયા બાદ નગરપાલિકા દ્વારા શિક્ષકને બરતરફ કરવામાં આવ્યો હતો. પરંતુ તે અંગે ડીઇઅો કચેરીમાંથી બહાલી લેવાની હતી તે 45 દિવસને બદલે 92 દિવસે મળી હતી. આમ કેસ ઢીલો પાડી દેવાયો હતો. બીજી તરફ સમગ્ર કેસમાં શિસ્ત વિષયક પગલાની પણ ચોપડે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવા શિક્ષકને પુનઃ શાળામાં લેવાય તો વિદ્યાર્થીનીઓની સલામતી શું? > ચેતનસિંહ પરમાર, વાલી

સત્તાધીશોની અેકબીજાને ખો, બોર્ડે નિર્ણય લેવાની સત્તા પ્રમુખને સોંપી છે
ઘટના બાદ સમગ્ર મામલો પાલિકાના બોર્ડ પર લેવાયો હતો. અને આચાર્ય જતિન પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ બોર્ડ મેમ્બર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે આગળ કોઇપણ નિર્ણય લેવાની સત્તા પાલિકા પ્રમુખને આપવામાં આવે છે. > નિમેષસિંહ જામ, ચેરમેન, માધ્યમિક શાળા સમિતિ

નિર્ણય લેવાની સત્તા ચેરમેન પાસે જ છે
જેતે સમયે જે ઘટના ઘટી હતી, ત્યારે તે સમયની બોડી દ્વારા બોર્ડમાં નિર્ણય કરી આચાર્યને બરતરફ કરવા પ્રમુખને સત્તા સોંપી હતી. અને પ્રમુખે આચાર્યને બરતરફ પણ કર્યા હતા. તે નિર્ણય જેતે સમય પુરતો હતો. હવે આચાર્યને પરત લેવા કે ન લેવા તે સમિતિના ચેરમેનનો વિષય છે. > મોનિકા પટેલ, પ્રમુખ, કપડવંજ ન.પા.

અન્ય સમાચારો પણ છે...