અંતે વિધ્નહર્તાએ વિધ્નો દૂર કર્યા:કોરોનાકાળના બે વર્ષ બાદ ગણેશજીની મૂર્તિઓ બનાવતાં હજારો કારીગરોમાં બેવડો ઉત્સાહ, ઓર્ડર મળવાનું શરૂ થતાં રાજીના રેડ

નડિયાદ14 દિવસ પહેલા
  • મૂર્તિ બનાવી પરિવારનુ પેટીયું રડતા શ્રમજીવી લોકોમાં ખુશાલી
  • હોળી પર્વ બાદ અમે સૌ મૂર્તિ કારીગરો દશામાની, કૃષ્ણની, ગણેશની મૂર્તિઓ બનાવવાની કામગીરીમાં જોતરાઈ જઈએ છીએ: મૂર્તિ કારીગર

ભાદરવા સુદ ચૌથ એટલે ગણેશ ચતુર્થી પર્વનો પ્રારંભ, હાલ આ દિવસને આડે 25 જેટલા દિવસો બાકી રહ્યા છે.‌ ત્યારે મૂર્તિકારો ગણેશની મૂર્તિ બનાવવાની કામગીરીમાં જોતરાય ગયા છે. ચાલુ વર્ષે કોરોનાના તમામ નિયંત્રણો હટાવી લેતા આ તહેવાર ધામધૂમથી ઉજવાશે. આ વચ્ચે ગણેશજીની મૂર્તિઓ બનાવતાં હજારો કારીગરોમા ચાલુ વર્ષે બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે ઊંચા કદની મૂર્તિનો ઓડર મળતા આ વ્યવસાય જે છેલ્લા બે વર્ષથી મંદ હતો તેમા જાન આવી ગઈ છે.

ચાલુ વર્ષે કોરોનાનુ ગ્રહણ દુર થતાં વિધ્નહર્તાનો પર્વ ખુબજ રંગેચંગે ઉજવાશે
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે આ માસ પૂર્ણ થશે અને 'ગણપતિ બાપ્પા મોરિયા' ના નાદ સાથે ગણેશોત્સવનો તહેવારનો પ્રારંભ થશે. મોટા ભાગના ગણેશ મંડળોએ અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને ઓર્ડર પણ આપી દીધો છે. હાલ આવા મૂર્તિકારો દુંદાળા દેવની મૂર્તિ બનાવવા માટે જોતરાઇ ગયા છે. ખાસ કરીને ચાલુ વર્ષે કોરોનાનુ ગ્રહણ દુર થતાં વિધ્નહર્તાનો પર્વ ખુબજ રંગેચંગે ઉજવાશે તેવા આયોજન કરવામાં આવ્યા છે.

ઊંચા કદની મૂર્તિના ઓડર મળતા આ વ્યવસાયમાં ચાંદ ચાંદ લાગ્યા
હાલ વિવિધ મૂર્તિકારો ગણેશની મૂર્તિ બનાવવાના કામે લાગ્યા છે. બે વર્ષથી લદાયેલા કોરોનાના નિયંત્રણો ચાલુ વર્ષે ઉઠાવી લેવાતાં ઊંચા કદની મૂર્તિઓ બનાવવા પણ ઓડરો મળતાં મૂર્તિ કારીગરો ખુશખુશાલ થયા છે.ઊંચા કદની મૂર્તિના ઓડર મળતા આ વ્યવસાયમા ચાંદ ચાંદ લાગ્યા છે. તેવુ કારીગરો જણાવી રહ્યાં છે. મૂર્તિ બનાવી પરિવારનુ પેટીયું રડતા શ્રમજીવી લોકોમાં ખુશાલી વ્યાપી ગઇ છે. હોળી પર્વ બાદ અમે સૌ મૂર્તિ કારીગરો દશામાની, કૃષ્ણની, ગણેશની મૂર્તિઓ બનાવવાની કામગીરીમાં જોતરાઈ જઈએ છે તેમ‌ કહ્યું છે.

8થી 10 ઊંચા કદની ગણપતિની મૂર્તિ બનાવવાનો ઓર્ડર મળ્યો છે: મૂર્તિકાર
મૂર્તિકાર સખાભાઈ મારવાડીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે હાલ આ વ્યવસાય કોરોના કારણે ઢળી પડ્યો હતો‌ જે હાલ ધીમે ધીમે બેઠો થઈ રહ્યો છે. ગણેશ ચતુર્થી નજીક છે ત્યારે અમારા ધંધાને રોનક મળી છે. અત્યારે લગભગ અમારી સાથે 10 થી 12 જેટલા કારીગરો જોડાયા છે જે વિવિધ પ્રકારની મૂર્તિઓ હાથથી અથવા તો બીબાથી બનાવી રહ્યા છે. દિવસની અંદાજિત 5 થી 10 ગણેશજીની મૂર્તિઓ અમે બનાવીએ છીએ. 3થી 4 ફુટ અને એથી વધુ ઊંચાઈની ગણેશજીની મૂર્તિઓ બનાવી રહ્યા છે. હાલ સુધી અમને 8થી 10 ઊંચા કદની ગણપતિની મૂર્તિ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. વધુમાં હાલ નડિયાદ ઈન્દિરાનગરીમા લગભગ 20થી વધુ પરિવારો આ મૂર્તિના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રોજીરોટી મેળવી રહ્યા છે.

ધંધામા જે મુડી નાખેલ હતી તેનું સામે કર્ઝ પણ વધતું ગયું
અન્ય મૂર્તિકાર લાલાભાઈ મારવાડીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે હાલ અમારો આ ધંધો ધીમે ધીમે ઉભો થઈ રહ્યો છે. પરંતુ જે છેલ્લા બે વર્ષ કોરોનાના લોકડાઉન ના જે હતા તે અમારા માટે દુઃખદાઈ હતા. આ દરમિયાન અમારો ધંધો ભાંગી પડ્યો હતો. લોકડાઉન દરમિયાન અમારે ઘર ચલાવવું ખૂબ જ કઠીન બન્યું હતું. ધંધામા જે મુડી નાખેલ હતી તેનું સામે કર્ઝ પણ વધતું ગયું હતું અને આથી જ અમે વ્યાજના ચક્રમાં ઉતરી ગયા હતા. જોકે અંતે વિધ્નહર્તાએ અમારા વિધ્નો દૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...