કોરોના વચ્ચે સ્વાઈનફ્લૂની એન્ટ્રી:નડિયાદમાં અઢી વર્ષના ગાળા બાદ સ્વાઈન ફ્લૂએ દેખા દીધી, બે બાળકો સંક્રમિત થતા આરોગ્ય તંત્ર દોડતું થયું

નડિયાદ22 દિવસ પહેલા
  • કોન્ટેકમાં આવનાર 400 વ્યક્તિઓનું સર્વે થતાં આઠ વ્યક્તિઓને શરદી ખાંસી દેખાતા તેમના રિપોર્ટ કરવાની કામગીરી શરૂ

ચોમાસાની ઋતુમાં નડિયાદમાં અઢી વર્ષ બાદ બે બાળકો સ્વાઈન ફ્લૂના રોગમાં સપડાતા તેમને નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક તરફ કોરોનાની મહામારી હજુ યથાવત છે. ત્યારે આ સ્વાઈન ફ્લૂના રોગે દેખા દેતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. બંને દર્દીઓના સંપર્કમાં આવનાર લગભગ 400 વ્યક્તિઓને સર્વે કરાતા આઠ વ્યક્તિઓને શરદી ખાંસી જણાવતા તેમના પણ રિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

હાલમાં પણ ખેડા જિલ્લામાં રોજબરોજ ચાર પાંચ દર્દીઓ કોરોનાના જોવા મળે છે
નડિયાદમાં કોલેજ રોડ પર રહેતા 12 વર્ષીય બાળક તેમજ પેટલાદ રોડ પર રહેતા 11 વર્ષીય બાળકને છેલ્લા ઘણા દિવસથી શરદી, ઉધરસ અને તાવ દવા લેવા છતાં મટતું ના હોય ડોક્ટરે તેમના રિપોર્ટ કરાવતા સ્વાઈન ફ્લુ પોઝિટિવ આવ્યો છે. જેની જાણ જિલ્લા આરોગ્ય તંત્રને થતા વિભાગ દોડતું થયું છે છેલ્લા અઢી વર્ષ દરમિયાન ખેડા જિલ્લામાં એક પણ દર્દી સ્વાઈન ફ્લૂનો જોવા મળ્યો નહોતો‌. જેના કારણે તંત્રને રાહત હતી જોકે અઢી વર્ષ દરમિયાન આરોગ્ય તંત્ર કોરોનાની મહામારીને લઈ કામે લાગી ગયું છે. હાલમાં પણ ખેડા જિલ્લામાં રોજબરોજ ચાર પાંચ દર્દીઓ કોરોનાના જોવા મળે છે. ત્યારે આ સ્વાઈન ફ્લૂની બીમારીએ પ્રવેશ કરતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

સ્વાઇન ફ્લૂના બે પોઝિટિવ કેસ બાદ જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં
આરોગ્યના સૂત્રોના જણાવ્યા અનુસાર બે બાળકો હાલમાં સ્વાઈન ફ્લૂમાં સપડાયા હોવાની વાતને સમર્થન આપ્યું છે અને આ બાળકોના સંપર્કમાં આવનાર 400 વ્યક્તિઓનો સર્વે કરાયો છે. જેમાંથી આઠ વ્યક્તિઓને શરદી ખાંસી દેખાતા તેમના રિપોર્ટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આમ સ્વાઇન ફ્લૂના બે પોઝિટિવ કેસ આવતા ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.

કુલ 6 જેટલી ટીમો બનાવી ખાસ સર્વે કરવામાં આવી રહ્યો છે
ખેડા જિલ્લા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી શાલીની ભાટિયા જણાવે છે કે હાલ બંને જગ્યાએ જિલ્લા આરોગ્યની ટીમ કાર્યરત છે. કુલ 6 જેટલી ટીમો બનાવી ખાસ સર્વે કરવામાં આવી રહ્યો છે. કોરોનાની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે તો આ રોગ સામે રક્ષણ મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...