રોડની હાલત ખરાબ:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં પહેલા વરસાદ બાદ રોડ ધોવાતાં ઠેકઠેકાણે ભૂવા, ખાડાનુ સામ્રાજ્ય

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ હઈવેથી સોસાયટીના ઈન્ટરનલ રસ્તાઓની દુર્દશાથી વાહન ચાલકોને ભારે હાલાકી

ખેડા જિલ્લામાં પહેલા વરસાદ બાદ ઠેકઠેકાણે રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે. ડામર રોડ ધોવાતાં ભૂવા અને ખાડા ટેકરા વાળા રોડ થયાં છે. જિલ્લામા સ્ટેટ હઈવેથી લઈને સોસાયટીના નાકા સુધીના ઈન્ટરનલ રસ્તાઓની દુર્દશાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આઇસર ટ્રક ભૂવામાં ફસાઇ
ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો બાદ રોડ રસ્તાની સ્થિતિ ખરાબ બની છે. જિલ્લાના 10 તાલુકામાં આવેલાં તમામ મોટાભાગના રોડ રસ્તાઓ પર ખાડા પડી ચૂક્યા છે. તો વળી આવા જર્જરિત રોડ પરથી વાહન ચાલકો પસાર થતા ક્યારેક ભૂવામા ટાયર ફસાઈ જાય તેવા બનાવોમા પણ વધારો થયો છે. મહુધા, માતર, કપડવંજ, મહેમદાવાદ, ખેડા, ઠાસરા, ગળતેશ્વર સહિતના તાલુકા મથકોએ આવેલા જિલ્લા પંચાયતના રોડ અને ગામડાઓને જોડતા રસ્તાઓ પહેલા વરસાદમાં ધોવાણ થતાં રસ્તા પરનો ડામર ઉખડી ચૂક્યો છે અને ઠેકઠેકાણે ખાડા પડી પડી ગયા છે. આ રસ્તાઓ ધોવાતા ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાકોર-ઉમરેઠ રોડ, કપડવંજ-આત્રોલી રોડ, માતર- લીંબાસી તારાપુર રોડ સહિત જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઇવેના માર્ગોની દુર્દશા દયનીય છે. ગતરોજ ડાકોર ઉમરેઠ રોડ ઉપર પસાર થતી એક ડમ્પર ટ્રકનુ ટાયર પણ ભૂવામાં ફસાઈ ગયું હતું.

રસ્તો ઉબડખાબડ બન્યો
નડિયાદની જો વાત કરવામાં આવે તો નડિયાદમાં મોટાભાગના રસ્તાઓ પહેલાથી જ થીંગડા મારેલી હાલતમાં હતા. તેમાં પહેલા વરસાદ પડ્યા બાદ અનેક જગ્યાએ નાના મોટા ખાડાઓ પડી ગયા છે. નગરપાલિકા કચેરીએથી માત્ર 500 મીટરની ત્રિજ્યાની અંદર પસાર થતા સ્ટેશન રોડ પર મસમોટા ખાડા પડી જતાં રસ્તો ઉબડખાબડ બન્યો છે. તો વળી ઘોડિયા બજાર, મીલ રોડ સહિત પશ્ચિમ વિસ્તારમાં આવેલા માર્ગની સ્થિતિ અંત્યત ખરાબ છે. આ ઉપરાંત સોસાયટીના નાકાના ઈન્ટરનલ રસ્તાઓ પણ ધોવાતાં ઉબડખાબડ બન્યા છે. તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં આવા ઉબડખાબડ બનેલા રસ્તાઓનુ મરામત કામગીરી હાથ ધરવામાં આવે તેમ વાહન ચાલકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...