વિકાસનું વિસ્તરણ:15 વર્ષ બાદ નડિયાદ શહેરને 187 હેક્ટરની નવી ટીપી સ્કીમ મળશે

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહેણાંક, વાણિજ્ય, જાહેર હેતુ માટે 65 પ્લોટ ફાળવાયા
  • 1 મહિના સુધી વાંધા રજૂ કરી શકશે, ત્યારબાદ ટીપી મંજૂરી માટે સરકારમાં જશે

15 વર્ષ બાદ નડિયાદ શહેરના વિકાસનું વિસ્તરણ કરાઇ રહ્યું છે. નગર પાલિકા દ્વારા નવી ટીપી સ્કીમ તૈયાર કરવામાં આવી છે. વર્ષ 2015માં પણ આ ટીપી મંજુર કરવા માટે સરકારમાં મોકલવામાં આવી હતી. પરંતુ તે સુધારવા માટે પરત આવી હતી. જે બાદ હવે સ્કીમને આખરી ઓપ આપવા 187 હેક્ટર જમીનને આવરી લેવામાં આવી છે. જેમાં 9 મીટરથી 36 મીટરના રોડ ફાળવવામાં આવ્યાં છે.

આ સ્કીમ અંતર્ગત ખાનગી વ્યક્તિના 310 જેટલા પ્લોટ ધારકોને લાભ મળશે. ટીપી સ્કીમના કાયદા અનુસાર પછાત વર્ગ માટે 22 અનામત પ્લોટ, વાણિજ્ય હેતુ માટે 7 પ્લોટ, રહેણાંક હેતુ માટે 6 પ્લોટ, જાહેર હેતુ માટે 17 પ્લોટ, બાગ બગીચા માટે 6 પ્લોટ, ખુલ્લી જગ્યા માટે 4 પ્લોટ મળી કુલ 62 પ્લોટ ફાળવવામાં આવ્યાં છે. આ ટીપી સ્કીમમાં ચાર તળાવને પણ આવરી લેવામાં આવશે. આ સ્કીમમાં પાલિકા વિસ્તારનો 18 કિલોમીટર જેટલો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે.

હવે એક મહિના સુધી સ્કીમ અંગે સ્થાનિકોના વાંધા મંગાવવામાં આવશે. જે બાદ આ સ્કીમને સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે. સ્કીમમાં આવતા તમામ જમીન માલિકોને બે વખત નોટિસ આપીને જાણ કરવામાં આવી છે, તેમજ બે વખત જાહેર અખબારમાં જાહેરાત કરવામાં આવી છે.

સોમવારે નડિયાદ ખાતે પ્રજાના હિતમાં પારદર્શિતા જળવાય તે ઉદ્દેશથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ જાહેર કાર્યક્રમમાં પ્લોટ ધારકના વાંધા અને રજૂઆતોને સાંભળ્યા બાદ લેખિત લેવામાં આવ્યા હોવાનું ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન વિજય પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...