ફાયર વિભાગ એક્શન મોડમાં:ફાયર સેફ્ટીનું ઉલ્લઘન કરનારાઓ સામે પગલાં, નડિયાદ શહેરમાં 40થી વધુ દુકાનો સીલ કરાઇ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં આગની દૂર્ઘટના બન્યા બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી વગર ધમધમતા કોમ્પલેક્ષો સામે કાર્યવાહી કરવા સરકારે ફરમાન કર્યું છે.જેના પગલે નડિયાદ નગરપાલિકાના ફાયર વિભાગે પણ શહેરમાં કાર્યવાહી આરંભી અત્યાર સુધી 6 જેટલા કોમ્પલેક્ષમાં 40થી વધુ દુકાનો સીલ કરવામાં આવી છે. આજે પારસ સર્કલ અને મહાગુજરાત સર્કલ પાસે સિલિંગની કામગીરી કરાઈ હતી.

6 જેટલા કોમ્પલેક્ષમાં 40થી વધુ દુકાનો સીલ કરવામાં આવી
નડિયાદ નગરપાલિકાએ ફાયર સેફ્ટી વગર ધમધમતા કોમર્સિયલ અને રેસિડેન્સિયલ કોમ્પલેક્ષો સામે કાર્યવાહી આરંભી છે. છેલ્લા ચારેક દિવસથી ચાલતી કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધી શહેરના 6 જેટલા કોમ્પલેક્ષમાં 40થી વધુ દુકાનો સીલ કરવામાં આવી છે. નડિયાદ નગરપાલિકામાં શહેરમાં 26 જેટલા વાણિજ્ય હેતુ અને રેસિડેન્સિયલ હેતુના કોમ્પલેક્ષોનું લિસ્ટ છે. આ 26 કોમ્પલેક્ષોમાં ફાયર સેફ્ટીની સુવિધા નથી.જો કે શરૂઆતથી આ કોમ્પલેક્ષઓમાં ફાયર સેફ્ટી વગર ધમધમતા હતા જેની જાણકારી પાલિકા તંત્ર ધરાવતું હોવા છતાં કોઈ કારણસર કાર્યવાહી કરવામાં લોલમ લોલ ચલાવવામાં આવી રહ્યું હતું.

નડિયાદ શહેરમાં હજુ આગામી દિવસોમાં વીસેક કોમ્પલેક્ષો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના
અમદાવાદની આગ દુર્ઘટના અને હાઈકોર્ટની ફિટકાર બાદ સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. જેના પગલે નડિયાદ શહેરમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાઇ રહ્યું છે.જેમાં આજે બે કોમ્પલેક્ષો પારસ સર્કલ પાસે આવેલા રત્નરાજ સીટી સેન્ટરમાં પાંચ દુકાનો સીલ કરાઈ છે જ્યારે મહા ગુજરાત સર્કલ પાસે આવેલા ફોર્ડ વ્યુ કોમ્પલેક્ષમાં મોડી સાંજે કાર્યવાહી ચાલી રહી હતી. આ પહેલા પાલિકાએ પ્લેટીનિયમ પ્લાઝામાં તમામ દુકાનો સીલ કરી હતી અને સિલ્વર લાઈનમાં પણ કાર્યવાહી કરી હતી.નડિયાદ શહેરમાં હજુ આગામી દિવસોમાં વીસેક કોમ્પલેક્ષો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...