અકસ્માત:ખેડા પાસે હાઇવે પર અચાનક ભેંસ આવી જતાં બે ગાડી વચ્ચે અકસ્માત

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 ઘાયલને અમદાવાદ સિવિલમાં ખસેડાયા, જ્યારે 6ને નાની મોટી ઇજાઓ પહોંચી

ખેડા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નં-48 ઉપર શુક્રવારે ઢળતી સાંજે બે ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ઘાયલ થયેલ કુલ 12 વ્યક્તિઓ પૈકી 6 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે 6 વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

ખેડા બાયપાસ નેશનલ હાઇવે નં-48 ઉપર અમદાવાદથી વડોદરા તરફ જતી ઇટીઓશ ગાડી જી.જે.06 પીડી 2263 મયુરી હોટલ નજીક થી પસાર થઇ રહી હતી. તે સમયે ડિવાઇડરના થાંભલા વચ્ચેથી અચાનક ભેંસ આવી જતા ગાડી સાથે અથડાતા ગાડીનો કાચ તુટી જતા ગાડીના ચાલકે કાબુ ગુમાવ્યો હતો જેથી ગાડી કુદીને સામેની સાઈડ થી પસાર થતી ઇકો ગાડી જી.જે.38 બી 2724 સાથે અથડાતા બે ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જ્યારે ભેંસનુ બનાવ સ્થળે મોત નિપજયુ હતુ. ઇકો ગાડીમાં સવાર 8 વ્યક્તિઓ ચકલાસી બેસણામાંથી વિરમગામ પરત જતા અકસ્માત નડયો હતો.

આ અકસ્માતની જાણ 108ને થતા ટીમ બનાવ સ્થળે પહોચી ઘાયલ વ્યક્તિઓને ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.જેમાં 6 વ્યક્તિઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે 6 વ્યક્તિઓને શરીરે નાની મોટી ઇજા પહોચી છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...