ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રોગ અટકાયતી પગલાના ભાગ રૂપે હાથીપગોના રોગ મામલે રાજ્ય સરકારની સૂચના અનવ્યે કામગીરી કરવામાં આવી હતી. નડિયાદના ડભાણ ગામે ખાસ 4 દિવસથી આ રોગના અટકાયતી પગલા મામલે ઝુંબેશ શરૂ કરાયો હતો. જેમાં 300 જેટલા રેન્ડમ લોહીના નમૂનાઓ લેવાયા હતા. હાલ શુધી કોઈ શંકાસ્પદ કેસ ન મળતા રાહતનો શ્વાસ લેવાયો છે. આ લોહીના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
ગામમાં રાત્રી સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી
રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયત્રણ કાર્યક્રમ અંતર્ગત ફાઇલેરિયા (હાથીપગો) રોગ અટકાયતી પગલાના અગમચેતીના ભાગરૂપે નડિયાદ તાલુકાના ડભાણ ગામે રાત્રી સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 300 જેટલા રેન્ડમ લોહીના નમૂનાઓનું એકત્રીકરણ કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. આ કામગીરી તાલુકા હેલ્થ સુપરવાઈઝર ભુપેન્દ્ર મેકવાન, પી.એચ. સી સુપરવાઈઝર પ્રમોદ મકવાણા, ડભાણ ગામના આરોગ્ય કાર્યકર અવિનાશ પંડ્યા તથા પ્રા.આ.કેન્દ્ર યોગીનગરના તમામ આરોગ્ય કર્મચારી ભાઈઓ હાજર રહી ફાઇલેરિયા સર્વેલન્સની કામગીરી કરી છે.
હાલ ગામના અલગ અલગ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી
આ લેવાયેલા નમૂનાઓને મેલેરીયા વિભાગ ખાતે પરિક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. 4 દિવસ ચાલેલા આ ઝુંબેશનો ગતરોજ છેલ્લો દિવસ હતો અને હાલ સુધી કોઈ શંકાસ્પદ કેસ પણ મળી આવ્યો નથી. હાલ ગામના અલગ અલગ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડભાણ ગામમાં પરપ્રાંતીય લોકો વસવાટ કરતા હોવાથી આ કામગીરી આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.