વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ ક્યારે?:કઠલાલના અભ્રિપુર ગામે વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ કેડસમા પાણી, 20 વર્ષથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી

નડિયાદ17 દિવસ પહેલા
  • સામાન્ય વરસાદ પડતા જ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય જાય છે
  • બે દિવસ અગાઉ પડેલા વરસાદના કારણે ગામમાં પાણી ભરાયા હતા જે હજુ ઓસર્યા નથી

એક બાજુ સરકાર ગામડાઓના વિકાસની વાતો કરી રહ્યું છે. તો બીજી બાજુ આજે પણ અંતરરિયાળ ગામોમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી તેવા અનેક અહેવાલો અવાર-નવાર સામે આવે છે. ઉપરાંત ચોમાસામાં ગામમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ હોવાથી આજે પણ અનેક ગામો સામાન્ય વરસાદમાં જળબંબાકાર થઈ જાય છે અને અવારનવાર આવા ગામો સંપર્ક વિહોણા બને છે. ત્યારે બે દિવસ અગાઉ ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં વરસેલા વરસાદથી આ તાલુકાનું અભ્રીપુર ગામ પ્રભાવિત થયું છે. વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ આ ગામમાં હજુ પાણી ઓસર્યા નથી.

ગામ અનેક વખત સંપર્ક વિહોણું બન્યું
ખેડા જિલ્લાના કઠલાલ પંથકનો વિકાસ રૂંધાઈ ગયો હોય તેવુ લાગી રહ્યુ છે. કઠલાલના અંતરિયાળ વિસ્તારમાં આવેલા અભ્રિપુર ગામમા અંદાજિત 20 વર્ષથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ ન હોવાનું સામે આવી રહ્યું છે. અહીંયા સામાન્ય વરસાદ પડતા જ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ગામમાં ઠેક-ઠેકાણે વરસાદી પાણી ભરાઇ જાય છે. જેના કારણે આ ગામ અનેક વખત સંપર્ક વિહોણું બનતુ હોય છે.

ભારે વરસાદમાં ગામ બેટમાં ફેરવાયું હતું
કઠલાલ પંથકમાં બે દિવસ અગાઉ ભારે વરસાદ ખાબકતા અભ્રિરપુર ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ગામમાં ઠેક-ઠેકાણે કેડસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ગામનો એક પણ રસ્તો એવો નહીં હોય કે જ્યાં વરસાદી પાણી ભરાયા ના હોય દૂધ મંડળીથી લઈને ગામની ભાગોળ અને શાળાઓ તથા ચોરા પાસે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રોડ-રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા. જેથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગ્રામજનોને ભારે હાલાકી
નવાઈની વાત તો એ છે કે, વરસાદ બંધ થયે બે દિવસ એટલે કે 48 કલાકનો સમય વીત્યો છે તેમ છતાં પણ ગામમાં પાણી ભરાયેલા રહ્યા છે. થોડા ઘણા અંશે પાણીનું સ્તર નીચું ઘટ્યું છે પરંતુ ગામના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ગ્રામજનોના હાલ બેહાલ થયા છે. અત્યારે પણ ગામમાં કેડ સમા પાણી જોવા મળી રહ્યા છે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.

ખેડૂતોનો પાક નિષ્ફળ જતા નુકસાન
આ ઉપરાંત અહીંયા ખેડૂત વર્ગને પણ ઘણુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આસપાસ ખેતી કરી ગુજરાત ચલાવતા ખેડૂત વર્ગને પોતાની જમીનમાં પાણી ભરાઈ જતા પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે, દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. આસપાસના ગામોનું પાણી આ ગામના તળાવમાં આવે છે અને અહીયાથી આગળ પાણીનો નિકાલ ન થતાં આ પાણી ગામમા પ્રવેશે છે. જેથી ગામના રસ્તાઓ સહિત બજારોમાં આવેલી દૂકાન, દૂધ મંડળી, આરોગ્ય કેન્દ્ર વગેરેમા પાણી ભરાઈ જાય છે. તંત્રના સત્તાધીશો અહીંયા ડોકાતા નથી. છેલ્લા લગભગ 20 વર્ષથી ચોમાસાની સિઝનમાં છાસવારે વરસાદ પડતા આવી સ્થિતિનો અમારે સામનો કરવો પડી રહ્યો છે. હવે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તેવું ગ્રામજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...