રાજકારણ ગરમાયું:આપનો વળતો પ્રહાર, મંત્રી સામે દુષ્કર્મનો આક્ષેપ કરનાર હિતેશ ભાજપનો કાર્યકર

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અર્જુનસિંહ ચૌહાણ વિરુદ્ધ આક્ષેપ મામલે રાજકારણ ગરમાયું
  • ભાજપ આપથી ડરી ગયું હોય બદનામ કરવાનું ષડયંત્ર રચાયાનો આક્ષેપ

મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના વિરોધમાં હલદરવાસ ના પૂર્વ સરપંચ હિતેશ પટેલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા અરજદારની પત્નીને પૂનાથી બોલાવવામાં આવી હતી. પુછપરછ અને તપાસના અંતે હિતેશ પટેલ આપનો કાર્યકર હોવાનું અને આપની ટીકીટ મેળવવા બે સ્થાનિક હોદ્દેદારો સાથે મળી ષડયંત્ર રચ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

જોકે પોલીસના આ દાવા બાદ હવે આપ પાર્ટી મેદાનમાં આવી છે, અને અરજદાર હિતેશ પટેલ ભાજપનો કાર્યકર હોવાનું અને આપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા સમગ્ર કાવતરું રચાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ કમલેશ વાઘેલાએ જણાવ્યું હતું કે કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણ પર આક્ષેપ કરનાર હિતેશ પટેલ ઉર્ફે અંગો આઠ મહિનાથી આપ પાર્ટી સાથે જોડાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પરંતુ હકીકત છેકે હિતેશ પટેલ ઘટનાના 25 દિવસ અગાઉ મીસકોલ સિસ્ટમથી આપ સાથે જોડાયો હતો. તે ફક્ત બે જ કાર્યક્રમમાં આપના કાર્યકરો સાથે ગ્રામ્ય વિસ્તારમાં ફર્યો હતો. સમગ્ર રાજ્યમાં જે રીતે આપનું કદ વધી રહ્યું છે. તેને જોતા ભાજપ ડરી ગઈ છે, અને આપને બદનામ કરવા માટે આવી ગંભીર ઘટનામાં આપના હોદ્દેદારોના નામ ઉછાળવામાં આવ્યા છે. જોકે સમગ્ર મામલે હજુ સુધી આપના કોઈ પણ હોદ્દેદારના પોલીસે નિવેદન નથી નોંધ્યા તેની પણ સ્પષ્ટતા આપ દ્વારા કરવામાં આવી છે.

ભાજપના કાર્યક્રમમાં હાજરીના ફોટા આપે રજુ કર્યા
સમગ્ર કેસમાં આપનો હાથ નથી, કેસમાં આપની સંડોવણી કરી પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોવાના દાવા સાથે કેસના અરજદાર હિતેશ પટેલ ભાજપના કાર્યક્રમમાં હાજર હોય તેવા ફોટા મીડિયા સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. અરજદારના પત્ની કે જેના પર દુષ્કર્મ થયાની વાત છે તેઓ પણ ભાજપ પક્ષના જ તા.પં.ના સભ્ય હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...