જિલ્લામાં બટાકા, ડુંગળી પકાવતા ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટી આગળ આવી છે. ખેડા જિલ્લા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે વિશેષ બોનસની જાહેરાત કરવા માંગણી કરી છે. નીચા ભાવના કારણે ખેડૂતો પાયમલ બન્યા છે.
બારદાન અને ભાડાના પૈસા પણ વેચાણમાંથી નથી નીકળતા
ખેડા જિલ્લા આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને સંબોધીને લખેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતોની હાલત બજારમાં ચાલતા નીચા ભાવોને કારણે ખુબ કફોડી થઇ છે. આ વર્ષે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષની સરેરાશની સરખામણીએ ડુંગળીનું 109.46% વિસ્તારમાં અને બટાટાનું વાવેતર 106.28% વિસ્તારમાં થયું છે. બટાટાના ભાવો પણ ખુબ જ નીચા ચાલે છે, આ ભાવે ખેડૂતો પોતાનું ઉપજ ખર્ચ નથી કાઢી શકતા. કેટલીકવાર તો બારદાન અને ભાડાના પૈસા પણ વેચાણમાંથી નથી નીકળતા.
અગાઉ સરકારે કિલોએ 2 રૂપિયા બોનસની જાહેરાત કરી હતી અને ચૂકવ્યા હતા
છેલ્લા 3 વર્ષની સરેરાશની સરખામણીએ ગુજરાતમાં બટાટા અને ડુંગળીનો વાવેતર વિસ્તાર વધ્યો છે. અગાઉ, થોડા વરસો પહેલા જયારે કપાસના ભાવો ખુબ જ નીચા જતાં, ગુજરાત સરકારે ખેડૂતોને 1 મણ પર 100/- રૂપિયા બોનસની જાહેરાત કરી, ચૂકવ્યા હતા. એવી જ રીતે, પછીથી જયારે ડુંગળી પકવતા ખેડૂતો માટે આવી જ સ્થિતિ ઉભી થઇ ત્યારે ડુંગળી પકવતા ખેડૂતો માટે ગુજરાત સરકારે કિલોએ 2 રૂપિયા બોનસની જાહેરાત કરી હતી અને ચૂકવ્યા હતા.
ખેડૂતો માટે પ્રતિકિલો 5/- રૂપિયા બોનસની જાહેરાત કરે
આ એક વિશેષ પ્રકારની પરિસ્થિતિ છે. સરકારે દરમ્યાનગીરી કરે તેવી માગ છે. હાલની બજારની વિશેષ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર ડુંગળી અને બટાટા પકવતા ખેડૂતો માટે પ્રતિકિલો 5/- રૂપિયા બોનસની જાહેરાત કરે અને ખેડૂતોને વહેલામાં વહેલી તકે એમના ઉત્પાદન પ્રમાણે ચુકવવાની થતી રકમ એમના ખાતામાં જમા આપે એવી માંગણી કરી છે.
.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.