ખેડા જિલ્લામાં આપઘાતના બનાવો વધી રહ્યાં છે. એકબાજુ કપડવંજમાં ઝાલા પરિવારના સામૂહિક આપઘાત પ્રકરણની સહી હજી સૂકાઈ નથી, ત્યાં આજે ડાકોરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર મોતને વ્હાલું કર્યું છે. યુવાને ડાકોરમાં બંધ પડેલા સરકારી પાર્કિંગમાં જઈ પોતાના એક્ટિવા ગાડી પર ચડીને ગળે ફાંસો ખાઈ લેતાં ચકચાર મચી છે. બનાવની જાણ ડાકોર પોલીસને થતા પોલીસ જવાનો ઘટનાસ્થળે દોડી આવી અપમૃત્યુની નોધ કરવાની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
એક્ટિવાના સહારે ગળેફાંસો ખાધો
મળતી માહિતી મુજબ ડાકોરમાં નાની ભાગોળ વિસ્તારમાં રહેતો 21 વર્ષિય કેતન વિનુભાઈ મકવાણા ડ્રાઈવિંગ કરી ગુજરાન ચલાવતો હતો. કેતનના ઘરની નજીક આવેલા સરકારી બંધ પડેલા ભોંય તળિયાના પાર્કિંગમાંથી તેનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કેતને પોતાનું એક્ટીવાનું ડબલ સ્ટેન્ડ કરી સાથે લાવેલા દોરડાથી ફાયર સેફ્ટીની લોખંડની પાઈપ સાથે રસ્સાનું ગાળિયુ બનાવ્યું હતું અને બાદમાં ગળાફાંસો ખાઈ લીધો છે.
આપઘાત પાછળનું કારણ અકબંધ
સમગ્ર બનાવની જાણ ડાકોર પોલીસને થતાં પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી છે. હાલ આપઘાત કરનાર પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી નથી જેના કારણે આપઘાત પાછળનું કારણ અકબંધ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.