પરિવાર સાથે મિલન:પંચમહાલ જિલ્લાની માર્ગ ભૂલેલ મહિલાને 181 અભયમ ટીમે ગંતવ્ય સ્થાને પહોંચાડી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે પુરૂષોએ મહિલાને જોતાં 181ની મદદ માગી, અભયમે મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

પંચમહાલ જિલ્લાની 70 વર્ષીય મહિલાને અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું છે. મહિલા ઘરનો સામાન લેવા નીકળતા રસ્તો ભૂલી જતા ખેડાના નાયકા ઇંટોના ભઠ્ઠા પાસે ચાલતા આવી પહોંચ્યા હતા. ત્યાં બે પુરુષોએ મહિલાની સ્થિતિ જોઈ અભયમની મદદ માગી હતી.

ખેડા જિલ્લામાં ફરી એકવાર 181 અભયમ ટીમની સરાહનીય કામગીરી જોવા મળે છે. પંચમહાલ જિલ્લાના એક ગામમાં રહેતા 70 વર્ષીય મહિલા તેના દિકરા સાથે રહેતી હતી. દિકરો અને તેનો પરિવાર એક મકાનની સાઇટ પર કામ કરી રહ્યા હતા. તે સમયે મહિલા ઘરનો સામાન લેવા માટે બજારમાં ગયા હતા. પરંતુ મોટી ઉંમરની મહિલા કોઇ કારણોસર રસ્તો ભૂલી જતા તેઓ ચાલતા ચાલતા ખેડાના નાયકા ગામ પાસેના ઇંટોના ભઠ્ઠા પાસે આવ્યા હતા. જ્યાં ગામના બે પુરૂષોએ મહિલાને જોતા મહિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. જેથી બંને પુરુષ સ્થિતિ પારખી જતા તેમને 181 અભયમને ફોન કરી સમગ્ર વાત જણાવતા ટીમ ઉપરોક્ત સ્થળે પહોંચી હતી.

ગભરાયેલી મહિલા ટીમે સાંત્વના પાઠવી સમગ્ર બનાવની માહિતી મેળવતા મહિલાએ પોતાની આપવિતીમાં જણાવ્યુ હતુ કે તે ઘરનો સામાન લેવા નીકળી હતી પરંતુ રસ્તો ભૂલી જતા છેલ્લા બે દિવસથી ચાલીને અહી આવી ગયા છે. આ બાદ અભયમ ટીમે ભૂલી પડેલી મહિલાને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આમ ફરી એકવાર ખેડા જિલ્લા અભયમ ટીમ મહિલાની મદદે આવી.

અન્ય સમાચારો પણ છે...