ખેડા જિલ્લાના 10 તાલુકામાં જિલ્લા પશુપાલન વિભાગની કુલ 40 ટીમો સર્વેની કામગીરીમાં લાગી ચૂકી છે. જિલ્લામાં પશુઓમાં લંપી સ્કીન ડીસીઝના બચાવ અને નિયંત્રણની કામગીરીના ભાગરૂપે ખેડા જિલ્લાના કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની કમિટીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કમિટીના જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેકટરે સરકારની પ્રવર્તમાન ગાઈડલાઈન મુજબ પશુઓમાં જોવા મળતા લમ્પી સ્કીન ડીસીઝના બચાવ તથા નિયંત્રણ અર્થેની કામગીરી કરવા માટે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપી દીધી છે.
વાયરસના લક્ષણો
લંપી વાઈરસએ પશુઓમાં જોવા મળતો ચામડી રોગ છે. જે માખી-મચ્છર, જુ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના લીધે ચામડી ઉપર આખા શરીર ઉપર ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, તાવ આવવો, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, પશુનુ ખોરાક ખાતું બંધ થવું, મોઢામાંથી લાળ પડવી, દૂધ ઉત્પાદન ઘટવું વગેરે લક્ષણો જોવા મળે છે. પરંતુ પશુઓનું મરણ પ્રમાણ નહીવત હોય છે.
લંપી વાયરસને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું
હાલ ખેડા જિલ્લા પશુપાલન વિભાગની કુલ 40 ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. પશુઓમાં રોગના કોઈ પણ લક્ષણ દેખાયેથી નજીકના સરકારી પશુદવાખાના અથવા અમુલ ડેરી પશુ સારવાર કેન્દ્ર અથવા એનિમલ હેલ્પલાઇન ટોલફ્રી નંબર 1962નો સંપર્ક કરવા અનુરોધ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આમ લંમ્પી વાયરસને લઈને તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. નોંધનીય છે કે હાલ સુધી આ વાયરસ નો પગ પેસારો ખેડા જિલ્લામાં થયો નથી. ત્યારે જિલ્લા પશુપાલન વિભાગે સજાગતા કેળવી ગામેગામ ફરી લોકોને જાગૃત કરવાનું કામ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.