તૈયારી:નડિયાદમાં 2500 મૂર્તિના વિસર્જન માટે ત્રિસ્તરીય વ્યવસ્થા, લાઈટીંગ, ક્રેનની સુવિધા ઉભી કરાશે

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરની મોટી કેનાલમાં ગણેશ વિસર્જન માટે તૈયારી શરૂ કરી છે. - Divya Bhaskar
નડિયાદ શહેરની મોટી કેનાલમાં ગણેશ વિસર્જન માટે તૈયારી શરૂ કરી છે.
  • તરવૈયા સાથે સેનેટરી વિભાગ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર હાજર રહેશે
  • નડિયાદ પૂર્વના મંડળોની મૂર્તિ કોલેજ રોડ કેનાલમાં વિસર્જિત કરવાની રહેશે
  • નડિયાદ પશ્વિમના મંડળો પીજ રોડ કેનાલમાં પ્રતિમાનું વિસર્જન કરશે
  • ગ્રામ્યના મંડળો બિલોદરા શેઢી નદી અને જે તે ગામના તળાવમાં વિસર્જન

ગણેશ મહોત્સવને હવે 2 જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે નડિયાદ પંથકમાં 2500 થી વધુ નાના મોટા ગણેશના વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. શહેરના મંડળોને ગણેશ વિસર્જન માટે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં મોટી કેનાલ વાળી જગ્યા ફાળવવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે બિલોદરા સ્થિત શેઢી નદી પર વ્યવસ્થા કરાઈ છે. બાકી ગામડાઓમાં સરપંચ સ્થાનિક તરવૈયાઓની મદદથી ગામના તળાવમાં વિસર્જન માટે વ્યવસ્થા કરવા જણાવાયું છે. ભક્તોના ઘરે આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવના વિસર્જનનો સમય આવ્યો હોય તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

નડિયાદના લોકોને ગણેશ વિસર્જન માટે પૂર્વ વિસ્તારમાં કોલેજ રોડ પર આવેલ મોટી કેનાલમાં વિસર્જન કરવાનું રહેશે. જ્યાં કેનાલની બંને બાજુએ હાઈડ્રા ક્રેનની વ્યવસ્થા ગોઠવી છે. મોડી રાત સુધી અહીં ગણેશ વિસર્જન થતું હોય લાઈટની વ્યવસ્થા સાથે ફાયર બ્રિગેડના તરવૈયાઓની ટીમ પણ હાજર રહેશે. આજ રીતે પશ્વિમ વિસ્તારના મંડળો માટે પીજ રોડ પરની કેનાલ પર પણ પ્રતિમા વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના મંડળો માટે બિલોદરા સ્થિત શેઢી નદીમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક ગામમાં સરપંચ દ્વારા સ્થાનિક તરવૈયાઓને હાજર રાખી ગામના તળાવમાં વિસર્જન માટે વ્યવસ્થા જાળવવામાં આવશે.

ગંદકી ન ફેલાય તે માટે સેનેટરી વિભાગની ટીમ રહેશે
ગણેશ વિસર્જન દરમિયાન ફુલહાર અને અન્ય ચીજ વસ્તુઓનો કચરો વિસર્જન સ્થળ પર ફેંકવામાં આવતો હોય છે. જેના કારણે ગંદકી ફેલાતી હોય છે. પરંતુ આ વર્ષે નડિયાદ નગર પાલિકાના સેનેટરી વિભાગના 10 જેટલા કર્મચારીઓ વિસર્જન સ્થળ પર ફાળવવામાં આવ્યા છે. જે ગંદકી ન થાય તેની તકેદારી રાખશે.- દીક્ષિત પટેલ, ફાયર વિભાગ, નડિયાદ

​​​​​​​નડિયાદમાં 150થી વધુ પોલીસ કર્મી ખડેપગે રહેશે
​​​​​​​ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા 150થી વધુ કર્મીનો બંદોબસ્ત ગોઠવ્યો છે. 100 હોમગાર્ડ, 50 લોકલ પોલીસ કર્મચારી અને 5 પીઆઈ, પી.એસ.આઈ નો બંદોબસ્ત ફાળવવામાં આવ્યા છે. જેમના દ્વારા રાઉન્ડ ધ ક્લોક કેનાલની બંને તરફ પેટ્રોલીંગ સહિત કાર્યવાહી કરાશે. - હરપાલસિહ ચૌહાણ, પી.આઈ, નડિયાદ

અન્ય સમાચારો પણ છે...