નડિયાદ શ્રી સંતરામ મંદિર ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી વેકેશનમાં ગીતાજીના શ્લોકનુ કંઠસ્થ કરવાનું મહા અભિયાન ચાલી રહ્યું છે. તેમા સુરતના 12 વર્ષિય જન્મજાત દિવ્યાંગ કિશોરે સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. માત્ર દોઢ ફુટની ઊંચાઇ ધરાવતાં પ્રિન્સે સુતા સુતા કડકડાટ ગીતાજીના શ્લોક બોલ્યો હતો.
નાનપણથી જ ધાર્મિક સંસ્કાર જીવનમાં પડે તે અત્યંત જરૂરી છે. તેમા શ્રીકૃષ્ણ લિખિત ભાગવત ગીતાજી, વિષ્ણુ સહસ્ત્રનામ, સુંદરકાંડ, હનુમાન ચાલીસા નાની ઉંમરથી બાળકો શીખે તો તેમને એક અલગ જ ઊર્જા પ્રાપ્ત થાય છે અને તેમાંથી જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ મળે છે. અલગ જ પ્રકારની શક્તિ પ્રાપ્ત થાય છે. એવું જ કંઈક સુરત નજીક આવેલા કીમ નાનકડા ગામના પ્રિન્સ દિલીપભાઈ મંત્રીએ કરી દેખાડ્યું છે.
પ્રિન્સ જન્મથી જ તકલીફમાં છે. હાલમાં 12 વર્ષના પ્રિન્સ દિલીપભાઈ મંત્રી ધોરણ 6માં અભ્યાસ કરે છે. તેમની હાઈટ માત્ર દોઢ ફૂટની છે. ઓશિકાના ટેકાથી બેસી શકાય, એ સિવાય સૂતાં જ રહેવું પડે. નાનપણથી જ અનેક તકલીફો વીત્યા પછી શું કરવું તે સમજ પડતી ન હતી. પરંતુ બે વર્ષ પહેલા એટલે કે ધોરણ 4થી પ્રિન્સના માતા એ ગીતાજીના પાઠ શીખવાની શરૂઆત કરાવી હતી. જેથી પ્રિન્સ રોજ ગીતાજીના શ્લોક બોલે અને કંઠસ્થ કરે છે. તેમ કરતા કરતા બે જ વર્ષમાં આખી ગીતાજી મોઢે કરીને બોલવાનું શરૂ કર્યું. આમ ગીતાજી બોલવાથી પ્રિન્સના શરીરમાં એક અલગ જ ઊર્જા શક્તિ આવી અને પ્રેરણા પણ મળી અને હવે વિષ્ણુ સહસ્ત્રનામ, સુંદરકાંડ અને હનુમાન ચાલીસા પણ બોલે છે.
નડિયાદ શ્રી સંતરામ મંદિર ખાતે છેલ્લા 100 વર્ષથી રજાઓમાં ગીતાજીનો શ્લોક કંઠસ્થ કરવાનું મહા અભિયાન ચાલે છે. આ અભિયાનમાં જોડાવા માતા તથા પિતા વિશેષ પ્રિન્સને લઈ નડિયાદ આવ્યા હતા. પ્રિન્સ ગીતાજીના શ્લોકો સુતા સુતા કડકડાટ બોલી ગયો હતો. ગીતાજી કંઠસ્થ કરી બોલ્યા બાદ પ્રિન્સને સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજે તથા સંત નિર્ગુણદાસજી મહારાજે તેના સારા કેરિયરને લઇને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. પ્રિન્સના માવતર જણાવે છે કે, જે પરિસ્થિતિમાં પ્રિન્સ બાર વર્ષનો થયો છે. એક કૌતુક જ છે. હવે તેનામાં પ્રેરણા, આત્મવિશ્વાસ ,શક્તિ જોવા મળી રહ્યા છે. આમ પ્રિન્સ સમાજ માંટે ઉત્તમ ઉદાહરણ રૂપ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.