ખેડા જિલ્લામાં અકસ્માતોની વણથંભી રફ્તાર અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે ગઇકાલે રવિવારે એક ગોઝારા અકસ્માતમાં એક જ ગામના ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં એક દંપતિ સહિત એક મહિલાને કાળ ભરખી ગયો છે. ખેડા પાસેના કનેરા હાઈવે પર રોંગ સાઇડે આવતા ટેન્કર ટ્રકે બે મોટરસાયકલ અને એક રીક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં આ તમામનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
ખેડા તાલુકાના ભગુપુરા તાબે સારસા ગામે રહેતા 42 વર્ષિય કનૈયાલાલ જેસીગભાઈ સોલંકી પોતાના પરિવાર સાથે રહે છે. કનૈયાલાલને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. જેમાં બે-બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ છે. કનૈયાલાલના પુત્ર અશોકના અમદાવાદના વટવા ખાતે લગ્ન થયા હતા. ગત 8મી મેના રોજ બપોરના આશરે ત્રણેક વાગે અશોક પોતાના મિત્રની પલ્સર બાઈક નંબર (GJ 07 CG 2191) લઇને પોતાની સાસરી વટવા મુકામે પોતાની પત્ની નીલમબેનને લેવા ગયા હતા અને પરત સારસા આવી રહ્યા હતા.
ત્યારે સાંજના આશરે સાડા સાત વાગ્યાની આસપાસ કનેરા ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર રિલાયન્સ પેટ્રોલ પંપ સામે રોંગ સાઇડે પુરપાટે આવતા ટેન્કર ટ્રક નંબર (GJ 01 DV 8332)એ ઉપરોક્ત ત્રીજી લેનમાં ચાલતી મોટરસાયકલને ટક્કર મારી હતી. સાથે સાથે અન્ય એક મોટરસાયકલ નંબર (GJ 07 ED 7072)ને પણ ટક્કર મારી હતી. જેના કારણે ઉપરોક્ત પલ્સર મોટરસાયકલ પર સવાર દંપતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય મોટરસાયકલ પર સવાર સારસા ગામના ભાવનાબેન લાલજીભાઈ સોલંકીને ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે.
ગંભીર રીતે ઘાયલ થયેલા અશોક કનૈયાલાલ સોલંકી અને તેમની પત્ની નીલમબેનને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે આ બંનેને સારવાર મળે તે પહેલાં જ તેમનું કરૂણ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ કનૈયાલાલ સોલંકીને થતા તેઓ તાબડતોડ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
આ સમયે તેમને સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત ટેન્કર ચાલકે રોંગ સાઇડે પૂરપાટે ચલાવી લાવી અહીંયા થોડે દૂર રીક્ષા નંબર (GJ 07 AT 7118)ને પણ ટક્કર મારી હતી અને તે ટેન્કર લઇ નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આમ આ ગોઝારા અકસ્માતમાં એક જ ગામના ત્રણ લોકોના મોતથી હાઈવે મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હતો. આ બનાવ સંદર્ભે કનૈયાલાલ જેસીંગભાઇ સોલંકીએ ખેડા ટાઉન પોલીસ મથકે ઉપરોક્ત ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
પત્નીને લેવા સાસરીમાં ગયો, પરત આવતાં બંનેના મોત
ભગુપુરામાં રહેતા અશોકભાઇ સોલંકી તેની સાસરી વટવા ખાતે પત્ની નિલમને લેવા માટે મોટર સાયકલ લઈને ગયા હતા. પત્નીને લઈ ઘરે આવી રહ્યાં હતાં ત્યારે માર્ગમાં કનેરા ગામની સીમમાં ટેન્કરના ચાલકે બાઈકને અડફેટે લેતાં બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. તેમને સંતાન ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
માસી સાથે ખરીદી કરી પરત ફરતાં અકસ્માત નડ્યો
સતીષભાઈ માસી ભાવનાબેનને બાઇક પર બેસાડી બારેજા કપડાંનો સામાન ખરીદવા ગયા હતા. ત્યાં ખરીદી કરી અને પરત આવી રહ્યાં હતાં તે સમયે ટેન્કર ચાલકે બાઈકને અડફેટે લેતાં બનાવ સ્થળે ભાવનાબેનનું કરૂણ મોત થયુ હતુ. જ્યારે અશોકભાઈને શરીરે ઇજાઓ પહોંચી હતી. મૃતક ભાવનાબેનને સંતાનમાં 17 વર્ષનો દીકરો અશોક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.