ખેડા જિલ્લાના કેટલાક ગામડાઓમાં રવિવારે મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ખેતી પાકને નુકસાન થયું છે. મોસમ વિભાગ દ્વારા અગાઉથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ રવિવારે મોડી રાત્રે વીજળીના કડાકા સંભળાવાના શરૂ થયા હતા, અને જોત જોતામાં વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. મોડી રાત્રે આકાશમાં વીજળીના ભારે ચમકારા સાથે થયેલા કડાકા ના અવાજે લોકોને રીતસરના ડરાવી દીધા હતા.
જિલ્લામાં નડિયાદ તાલુકાના રાત્રે 1 વાગ્યે કંજોડા, મહોળેલ, સલુણ, અલીન્દ્રા, ચલાલી, પણસોરા તરફના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારમાં મુખ્યત્વે તમાકુનો પાક થાય છે, તે વિસ્તારમાં વરસાદ વરસતા ખેડુતોએ કાપીને સુકવેલી તૈયાર તમાકુ પલડી ગઈ હતી. જેના કારણે ખેડુતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો.
અલીન્દ્રાના દીપક વાઘેલાએ જણાવ્યું હતું કે દેવું કરીને તમાકુનો પાક તૈયાર કર્યો હતો. સારો પાક થતા દેવું ભરપાઈ થઈ જશે અને થોડા રૂપિયા દેખાસે તેવી આશા બંધાઈ હતી. પરંતુ ગત રાત્રે પડેલ વરસાદમાં સુકવેલી તમાકુના પાન ધોવાઈ ગયા છે. જેના કારણે પાક બગડી જતા નફો તો દૂર રોકાણ કરેલ રકમ પણ નીકળે તેમ લાગી રહ્યું નથી.
સાંજે વંટોળ ફૂંકાતા ધૂળની ડમરીઅો ઉડી
રવિવારે મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદ બાદ સોમવારે સાંજે 6 વાગ્યે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણ વાદળછાયુ થઈ ગયુ હતુ અને વંટોળ સાથે પવન ફુકાવાનો શરૂ થઈ ગયો હતો. સતત બીજા દિવસે બદલાયેલા વાતાવરણને કારણે ધરતીનો તાત ચીંતીત બન્યો હતો.
વંટોળને કારણે કેરીઓ પડી જવાની તેમજ અન્ય પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. નડિયાદ શહેરના રસ્તાઓ પર ધુળની ડમરીઓ ઉડવા લાગી હતી, જેના કારણે દ્રીચક્રી વાહન ચાલકો થોડા સમય માટે સાઈડમાં ઉભા થઈગયા હતા.
તો યાત્રાધામ ડાકોરમાં પણ વાવાઝોડાને કારણે રસ્તા પર ધુળની ડમરીઓ ઉડી હતી. પગપાળા ડાકોર પહોંચેલા ભક્તો ધુળની ડમરીઓ ઉડતા થોડા સમય માટે સલામત સ્થળ પર ઉભા થઈ ગયા હતા. કપડવંજમાં મોડી સાંજે પવનોની સાથે સાથે વરસાદ પણ વરસાદ પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.