કોરોનાનો કપરો સમય કોઈ ભૂલી શકે તેમ નથી. આ દિવસો એવા હતા કે પોતાના લોહીના સગાંસંબંધીઓ પણ કામે આવતાં નહીં તો પારકા વ્યક્તિઓની આશા નહોતી. તેવામાં કેટલાય વ્યક્તિઓએ સમાજમાં નિઃસ્વાર્થ સેવાઓ આ સમયગાળામાં આપી છે. ખાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં અને એમાં પણ ખાસ નર્સિંગ ફિલ્ડમાં કે જે લોકો કોરોના સંક્રમિત દર્દીઓ સાથે રહેતા હતા. 1996થી નર્સિંગ ક્ષેત્રે સેવાકીય ધર્મ બજાવતાં નડિયાદનાં મહિલા વર્ષા રાજપૂતે પોતાની માનવદાયક સેવાઓ માટે ગત 7મી નવેમ્બરના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મજીના હસ્તે સન્માન થયું છે. મહત્ત્વની બાબત એ છે કે પૂરા દેશમાંથી 51 અને ગુજરાત રાજ્યમાંથી 2 વ્યક્તિઓની નેશનલ ફ્લોરન્સ નાઈટીંગેલ એવોર્ડ માટે પસંદગી થઈ હતી. જેમાં વર્ષાબેન રાજપૂતનો સમાવેશ થાય છે.
વડોદરા જિલ્લા નર્સિંગ નોડેલ ઓફિસર તરીકે કામગીરી કરી હતી
ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલ રામતલાવડી વિસ્તારમાં રહેતાં 46 વર્ષીય વર્ષાબેન ધર્મેશકુમાર રાજપૂત છેલ્લાં ઘણાં વર્ષોથી વડોદરા ખાતે આવેલ GMERS ગૌત્રી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેઓ 2010થી આ હોસ્પિટલ સાથે સંકળાયેલાં છે. કોરોનાકાળમાં વર્ષાબેન પોતે અહીંયાં વડોદરા જિલ્લા નર્સિંગ નોડેલ ઓફિસર તરીકે કામગીરી કરી હતી. આ સમયગાળામાં માનવદાયક કામગીરી તેઓએ કરી હતી. વર્ષાબેને કોરોનાકાળ પહેલાં એક માનવતાભરી કામગીરી કરી હતી. જેમાં તેઓએ રિક્ષામાં જ એક ગર્ભવતી મહિલાની ડિલિવરી કરી જીવ બચાવ્યો હતો. આ ઉપરાંત અનેક કામગીરી તેમની ફરજો દરમિયાન કરી છે. સાથેસાથે કોવિડ 19માં પણ તેઓની કામગીરી સારી રહી હતી. હાલ તેઓ GMERS ગૌત્રી હોસ્પિટલ સાથે જ સંકળાયેલાં છે અને તાજેતરમાં ઓક્ટોબરમાં તેમનું પ્રમોશન ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે આ હોસ્પિટલમાં થયું હતું.
દેશમાંથી 51 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી
વર્ષાબેનની આ વિશિષ્ટ માનવસભર કામગીરી માટે તાજેતરમાં 7મી નવેમ્બરના રોજ દેશની રાજધાની દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે ડે.નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ મહિલા વર્ષાબેનનું સન્માન થયું હતું. મહામહિમ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મજીએ વર્ષાબેનને મેડલ પહેરાવી સન્માનપત્ર આપ્યું હતું. મહત્ત્વનું છે કે, પૂરા દેશના વિવિધ પ્રાંતમાંથી 51 વ્યક્તિઓની પસંદગી થઈ હતી. જેમાં ગુજરાત રાજ્યના બે તેમાં એક નડિયાદનાં વર્ષાબેન અને અન્ય ભાવનગરના વ્યક્તિનો સમાવેશ થાય છે. આ સન્માન મળતાં રાજપૂત પરિવારમાં ખુશીની લહેર ઊઠી છે.
વર્ષાબેને પોતાની ફરજ દરમિયાન ઓટોરિક્ષામાં ગર્ભવતી મહિલાની ડિલિવરી કરાવી જીવ બચાવ્યો
નોંધનીય છે કે , વર્ષાબેન રાજપૂત પોતે બે દાયકાથી વધુ સમયથી ગુજરાત સરકારના આરોગ્ય ક્ષેત્રને સમર્પિત સેવાઓ પૂરી પાડી છે. તેમણે નર્સિંગમાં નોડલ ઓફિસર તરીકે કોવિડ-19 રોગચાળાને લગતી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો છે. તેમણે ઓટોરિક્ષામાં ગર્ભવતી મહિલાની ડિલિવરી કરાવી જીવ બચાવ્યો છે. તેમણે તેમની હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ અને કેન્દ્રીય જંતુનાશક પુરવઠા વિભાગ સહિતના વિશિષ્ટ એકમોના વિકાસમાં યોગદાન આપ્યું છે. આ ઉપરાંત ગ્લોબલ ફેડ ટુ ફાઈટ એઈડ્સ ટ્યુબરક્યુલોસિસ અને મેલેરિયા, એચઆઈવી/એઈડ્સ ટ્યુબરક્યુલોસિસ, હોસ્પિટલ્સ અને હેલ્થ સર્વિસ પ્રોવાઈડર્સ માટે નેશનલ એક્રેડિટેશન બોર્ડ, નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, કોવિડ-19 મેનેજમેન્ટ, ક્રિટિકલ કેર ઈમર્જન્સી જેવા ઘણા તાલીમ અને ટૂંકા અભ્યાસક્રમો કર્યા છે. મેનેજમેન્ટ વગેરેમાં ભાગ લીધો હતો. વર્ષાબેનના આ ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને તેમની સંસ્થા તરફથી ઘણા પ્રશંસાપત્રો પણ મળ્યા છે.
મારી માનવતાભરી નર્સિંગ સેવાના કારણે એવોર્ડ મળ્યો : વર્ષાબેન રાજપૂત
વર્ષાબેન રાજપૂતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારી પ્રશંસનીય સેવાકીય કામગીરી માટે આ નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગલ એવોર્ડ 2021 નેશનલ કક્ષાનો એવોર્ડ મને મળ્યો છે. આ સિવાય જિલ્લા અને રાજ્યકક્ષાએ પણ એવોર્ડ મળ્યા છે. મેં અગાઉ 1996થી શારદાબેન હોસ્પિટલ કોર્પોરેશનમાં ફરજ બજાવી હતી. આ પછી નડિયાદ સ્થિત આવેલ ડી. ડી.એમ.એમ. હાર્ટ હોસ્પિટલમાં પણ ફરજ બજાવી છે અને ત્યારબાદ વર્ષ 2010થી વડોદરા સ્થિત GMERS ગોત્રી હોસ્પિટલમાં હું ફરજ બજાવી રહી છું અને કોરોના સમય દરમિયાન વડોદરા જિલ્લાના નર્સિંગ નોડેલ ઓફિસર તરીકે મારી પસંદગી થઈ હતી. જેમાં મારી નર્સિંગ સેવાઓ માનવતાભરી હતી. જેના કારણે આ એવોર્ડ મને પ્રાપ્ત થયો છે. હાલમાં મારું પ્રમોશન થયું છે અને મને આ હોસ્પિટલમાં ડે. નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હું કામગીરી અદા કરી રહી છું.
ખરી પરીક્ષા અમારી કોરોના સમયમાં હતી : વર્ષાબેનની પુત્રી દેવાંશી
વર્ષાબેન રાજપૂતની 23 વર્ષીય દીકરી દેવાંશીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ખૂબ જ ગર્વની બાબત છે. વર્ષોથી હું નાનપણથી જોતી આવી છું કે મારી મમ્મી નર્સિંગની કામગીરી લોકોને ઉપયોગી બને તે રીતે કરી રહી રહી છે. અમારી પરીક્ષા તો ત્યારે થઈ જ્યારે કોરોનાકાળમાં મારી મમ્મી મારાથી 60 કિલો મીટર દૂર હતી. એક બાજુ મારે પરદેશ જવાની ફાઈલ ચાલતી હતી અને બીજી બાજુ કોરોનાનો કપરો સમય, તેવામાં મારી મમ્મી સતત કોરોના સંક્રમિત દર્દીઓ સાથે રહેતી હતી અને મને સતત વીડિયો કોલિંગ દ્વારા મોરલ સપોર્ટ કરતી હતી. પણ મને ડર રહેતો કે મારી મમ્મીને કંઈ થશે તો નહી. જોકે ભગવાને આવું કંઇક કર્યું નહીં અને આજે તેમના કામની કદર છેક નેશનલ કક્ષાએ થઈ છે જેનો મને આનંદ છે સાથે સાથે પ્રાઉડ પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.