કપડવંજના માલઇટાડી સ્થિત બારૈયા ભાગમાં લગ્નપ્રસંગે યોજાયેલા ગરબાની અદાવતમાં બે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો જે મામલે મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નો઼ધાઇ હતી. કપડવંજના માલઇટાડી બારૈયાભાગ દૂધની ડેરી સામે રહેતા સૂર્યસિંહ સોઢા ગામના ભલાભાઇ સોઢાના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તા.18 મે ના રોજ લગ્ન પ્રસંગ નિમિત્તે રાસ ગરબાનુ આયોજન કર્યુ હતુ.
ગરબાનુ આયોજનમાં તેઓ પણ ગયા હતા તે સમયે સચીન સોઢા અને મેહુલભાઇ સોઢા ગમે તેમ ગરબામાં નાચતા હતા. જેથી સુર્યસિંહે બંન્ને વ્યક્તિઓ ગરબામાંથી બહાર કાઢી સરખી રીતે ગરબા ગાવાનું કહેતા સચિન એકદમ ઉશ્કેરાઈ જઇ ગાળો બોલી ઝપાઝપી કરતા અન્ય વ્યક્તિઓ આવી જતા સમાધાન થયું હતું. પરંતુ તા.19 મે ના રોજ સુર્યસિંહ તેમના ખેતરની ઓરડીમાં સુવા ગયા હતા તે સમયે સચિન અને મેહુલ આવી ગડદાપાટુનો મારમારી રસ્તામાં પડેલા પથ્થર છુટા માર્યા હતા.
જેથી બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા. એટલાથી ન અટકતા બંને વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સુર્યસિંહ અજમેલસિહ સોઢાએ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે સચીનભાઇ જશવંતભાઇ સોઢા અને મેહુલભાઇ રાવજીભાઇ સોઢા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે કપડવંજ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.