રોડની હાલત ખરાબ:નડિયાદના ચકલાસી ભાગોળથી સોશિયલ કલબ તરફ બાય પાસ જવાના રોડ પર ખાડાનું સામ્રાજ્ય

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ સાક્ષરનગરી નડિયાદ શહેરમા મોટાભાગના રસ્તાઓ વરસાદ થતા જ બિસ્માર હાલતમાં ફેરવાઇ જાય છે. ત્યારે શહેરના સોશિયલ ક્લબથી મરીડા ભાગોળ થઈ ચકલાસી ભાગોળ સુધીના બાય પાસ રોડ ઉપર એટલી હદે ખાડા પડ્યા છે કે વાહન ચાલકો રીંગરોડ પર થઈ શહેરમાં આવવા મજબુર બન્યા છે. ત્યારે ભયજનક હાલતમાં ફેરવાયેલા મરીડા ભાગોળ બાયપાસ રોડનું સમારકામ કરવા હાથજ પંથકની ગ્રામ્ય પ્રજામાં લાગણી વ્યાપી છે.

15 જેટલા ગ્રામ વિસ્તારના લોકોની અવરજવર રહે છે
શહેરમાં ચકલાસી ભાગોળથી વરીયાળી માર્કેટ, મરીડા ભાગોળ થઈ સરદાર ભવન તરફનો બાયપાસ રોડ આવેલ છે આ બાયપાસ રોડ પર મરીડા ભાગોળ થઈને હાથજ, વાલ્લા,નવાગામ, મરીડા જેવા 15 જેટલા ગ્રામ વિસ્તારના લોકોની અવરજવર રહે છે. આ ઉપરાંત મરીડા રોડ પર સેન્ટર વેરહાઉસના ગોડાઉન, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભૈરવનાથ મહાદેવ જેવી ધાર્મિક સંસ્થાઓ,શાળા સંકુલ, હોસ્પિટલ તેમજ સંખ્યાબંધ સોસાયટીઓ આવેલ છે જેથી આ બાયપાસ રોડ ઉપર નાના-મોટા વાહનો ઉપરાંત ભારે વાહનોની અવરજર રહે છે. ત્યારે આ બાયપાસ રોડ પર બારકોશિયા રોડથી મરીડા ભાગોળ, વરીયાળી માર્કેટ સુધીના રોડ પર મસમોટા ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયા છે.

રોડનું વહેલી તકે સમારકામ કરવા માંગ ઉઠી
ખાડાના કારણે ટુવિલર તેમજ થ્રી વ્હીલર વાહનોના ચાલકોને ભારે નુકસાન થઈ રહ્યું છે આગ, અકસ્માત જેવા બનાવો વખતે ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ જેવા વાહન સમયસર પહોંચી શકતા નથી જેથી દુર્ઘટના સર્જાવાની સંભાવના રહે છે. આ રોડ પરથી પસાર થતી પ્રસૂતાને રસ્તામાં જ વાહનમાં જ પ્રસૂતિ થઈ જાય તે હદે રોડ બિસ્માર હાલતમાં ફેરવાયો છે. જેથી આ વિસ્તારના રહીશો ઉપરાંત હાથજ પંથકના ગ્રામ્ય વિસ્તારના વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.વધુમાં આ રોડ મંજૂર થયો હોવાનું જાણવા મળેલ છે. ત્યારે ચકલાસી ભાગોળથી સોશિયલ કલબ તરફના મરીડા બાયપાસ રોડનું વહેલી તકે સમારકામ કરવા નગરજનોમાં લાગણી વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...