ગુજરાત હોર્ટીકલ્ચર મિશન હેઠળ, બાગાયત ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કપડવંજના નરસીપુર ગામના ખેડૂત ધર્મેન્દ્ર હીરાભાઈ પટેલને બટાકા ફંકશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રેડિંગ યુનિટ સ્થાપવા માટે રૂપિયા 6 લાખની સહાય મળેલ છે. આજે આ બટાકા ગ્રેડીંગ સોર્ટિંગ સ્ટ્રકચરમાં ધમેન્દ્રભાઈ પોતાની નજર હેઠળ જ બટાકાનું રિફાઈનિંગ કરાવી શકે છે. ગ્રેડીંગ મશીનની મદદથી બટાકામાં રહેલી માટીને સરળતાથી દૂર કરી શકાય છે અને નાના મોટા બટાકાને અલગ તારવી શકાય છે. તથા ખરાબ બટાકાને સરળતાથી અલગ કાઢી સારા બટાકાને કોથળામાં મશીનની મદદથી ભરી શકાય છે. ગ્રેડિંગ થેયેલા બટાકાના ભાવ ઊંચા મળે છે તથા માર્કેટમાં તેની માંગ પણ વધુ રહે છે.
બટાકાને ગ્રેડીંગ સોર્ટિંગ કરી કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત રાખી શકે
બટાકા ફંક્શનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટથી મળતા લાભની વાત કરતા ખેડૂત ધર્મેન્દ્રભાઈ પટેલ જણાવે છે કે, પહેલા તેમને તૈયાર થયેલા બટાકાના સ્ટોરેજને લઈ ખૂબ જ ચિંતામાં કામ કરવું પડતું હતું કેમ કે બટાકાને એક વાર જમીનમાંથી બહાર કાઢ્યા પછી વધુ સમય બહાર રાખવાથી તે બગડી જતા હોય છે. ઉપરાંત બટાકાના તૈયાર પાકને કમોસમી વરસાદનો હંમેશા ભય રહેતો હોય છે. ત્યારે પોતાના ખેતરમાં બટાકા ફંક્શનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટની સ્થાપના પછી તેઓ તાત્કાલિક આ બટાકાને ગ્રેડીંગ સોર્ટિંગ કરી કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત રાખી શકે છે.
ખેડા જિલ્લામાં કુલ 18 કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનું સ્ટોરેજ કરવામાં આવે છે
આ વર્ષે ધર્મેન્દ્રભાઈએ પોતાની 50 વીઘા જમીનમાં 9 હજાર કટ્ટા બટાકાનું ઉત્પાદન કર્યુ છે. તેમણે લોકર અને કોલંબો નામની બટાકાની જાતનું વાવેતર કર્યુ હતું. 1 કટ્ટામાં કુલ 50 કિલો બટાકા હોય છે. તે પ્રમાણે ધર્મેન્દ્રભાઈએ કુલ 4 લાખ 50 હજાર કીલો બટાકાનું ઉત્પાદન કર્યું છે.બાગાયત અધિકારી હરેશભાઈ ચૌધરી જણાવે છે કે ખેડા જિલ્લામાં કુલ 18 કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનું સ્ટોરેજ કરવામાં આવે છે. તથા જિલ્લામાં 5 સોર્ટીંગ ગ્રેડિંગ યુનિટ કાર્યરત છે. સોર્ટીંગ ગ્રેડિંગ યુનિટ સ્થાપવા માટે સરકારશ્રી દ્વારા 6 લાખ અને કોલ્ડ સ્ટોરેજ માટે નિર્ધારિત કુલ રકમમાંથી 35% રકમની સહાય આપવામાં આવે છે. તેઓ ઉમેરે છે કે ગ્રેડિંગ થયેલા બટાકાની માર્કેટમાં વેચાણ કિંમત વધવાથી ખેડૂતને ઘણો ફાયદો થાય છે.
જિલ્લાના તાલુકાની પ્રતિ હેકટર બટાકા ઉત્પાદન ક્ષમતા 27.48 ટન છે
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે 2022-23માં ખેડા જિલ્લામાં કુલ 4926 હેકટર બટાકાનું વાવેતર થયેલ છે. જેમાથી કપડવંજ તાલુકામાં 2350 હેકટર, નડીયાદ તાલુકામાં 1843 હેકટર, કઠલાલ તાલુકામાં 385 હેકટર, ખેડા તાલુકામાં 210 હેકટર બટાકાનું વાવેતર થયું છે. ખેડા જિલ્લાના તાલુકાની પ્રતિ હેકટર બટાકા ઉત્પાદન ક્ષમતા 27.48 ટન છે. પોતાની આગવી સૂઝ અને રાજ્ય સરકારની ખેડૂતો માટેની કલ્યાણકારી યોજનાના લાભ થકી આજે ધર્મેન્દ્રભાઈ બટાકાનું ઉત્પાદન કરી શક્યા છે અને ગ્રેડિંગ યુનિટની મદદથી સારી ગુણવત્તા ધરાવતા બટાકા વહેંચી ઉત્તમ નફો પામી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.