તસ્કરોનો તરખાટ:મહેમદાવાદના ખાત્રજમા રહેતો પરિવાર દિવાળી મનાવવા ગયો અને તસ્કરો 2.72 લાખની ચોરી કરી ફરાર

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના મીની વેકેશન ટાંણે તસ્કરોએ ચોરીનું ખાતમુહૂર્ત કરી દીધું છે. મહેમદાવાદ પાસેના ખાત્રજ ગામે પટેલ પરિવાર દિવાળી મનાવવા બહારગામ ગયા અને ઘરના મોભી હોટલના વ્યવસાયમાં વ્યસત હતાં આ દરમિયાન તસ્કરોએ ધાડ પાડી ઘરમાંથી સોના, ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 2.72 લાખની ચોરી આચરી ફરાર થયા છે. સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ઘરમાં સર સામાન પણ વેરણ છેરણ પડેલો હતો
મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામે સ્વામિનારાયણ મંદિર વાળા ફળિયામાં રહેતા 29 વર્ષીય હર્ષિલ મનુભાઈ પટેલ પોતે ખાત્રજ અમદાવાદ રોડ ઉપર હોટલ ચલાવે છે. ગત 23મી ઓક્ટોબરે સમી સાંજ બાદ તેમની પત્ની અને બાળકો આ ઘર બંધ કરી દિવાળી મનાવવા તેમના પિયરમાં ગયા હતા. તો બીજી બાજુ તહેવારનો સમય હોવાથી અને હોટલમાં ઘરાકી હોવાના કારણે હર્ષિલભાઈ પણ પોતે પોતાના ઘેર જઈ શક્યા ન હતા. ગત 28મી ઓક્ટોબરના રોજ સાંજના તેમની પત્ની ઉપરોક્ત મકાનમાં આવતા ઘરનો મકાનની જાળીના મુખ્ય દરવાજોનો નકૂચો તૂટેલો હતો અને દરવાજો ખુલ્લો હતો તેમજ ઘરમાં સર સામાન પણ વેરણ છેરણ પડેલો હતો.

મહેમદાવાદ પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો
તેણીએ તુરંત પોતાના પતિ હર્ષિલભાઈને જાણ કરતા હર્ષિલભાઈ પોતાના ઘરે આવી ગયા હતા. જે બાદ ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત ઘરના ઉપરના માળે આવેલ તિજોરીમાંથી પણ સોના,ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 2 લાખ 72 હજાર 500ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે મકાન માલિક હર્ષિલ પટેલે આ સંદર્ભે મહેમદાવાદ પોલીસમાં જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે ઘરફોળ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...