ચર્ચા:ચૂંટણી અગાઉ નડિયાદના રાજકીય નેતાના નકલી ફેસબુક એકાઉન્ટ બન્યા

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયબર સેલમાં ફરિયાદ કરતા બે જ કલાકમાં એકાઉન્ટ બંધ થઈ ગયા

નડિયાદ શહેરમાં નગરપાલિકાના સભ્ય અને રાજકીય અગ્રણીઓના નકલી ફેસબુક એકાઉન્ટ બનતા ચર્ચા શરૂ થઈ છે. વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય અગ્રણીઓના નકલી એકાઉન્ટ કોણ બનાવી રહ્યું છે અને શા માટે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. નવાઈની વાત તો એ છેકે વોર્ડ નં.8ના પૂર્વ કાઉન્સિલર અને આર્થિક રીતે સંપન્ન વ્યક્તિનું ફેક આઇડી બનાવી તેમના મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

શહેરના વોર્ડ નં.11 ના કાઉન્સિલર અને પૂર્વ પ્રમુખના પતિ સંજયભાઈ પટેલને શનિવારે એક મિત્રએ ફોન કરી કહ્યું હતુ કે તમે મારા ફેસબુક મિત્ર છો, તો પછી કેમ ફરી રિક્વેસ્ટ મોકલી? તપાસ કરતા જાણવા મળ્યું કે સંજય પટેલના નામે અન્ય વ્યક્તિ દ્વારા ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને 17 જેટલા લોકોને રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. જેનાથી તુરંત એલર્ટ થઈ ગયેલા સંજય પટેલે ગાંધીનગર સાયબર સેલની હેલ્પલાઈન નં.1930 પર ફોન કરી ફરિયાદ લખાવી હતી.

જેના ગણતરીના સમયમાં જ નકલી એકાઉન્ટ બંધ થઈ ગયું હતું. કઈક આવી જ ઘટના વોર્ડ નં.8 ના પૂર્વ કાઉન્સિલર નિલેશ શાહ સાથે પણ બની હતી. આર્થિક રીતે શુખી સંપન્ન નિલેશ શાહના નામે કોઈ ઈસમે ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. અને અન્ય ઈસમો પાસે રૂ.5 હજારની માંગ કરવામાં આવી હતી. કુતુહલ વસ કોઈ વ્યક્તિએ નિલેશ શાહના પુત્રને ફોન કરી જાણ તેઓએ પણ સાયબર સેલમાં ફરિયાદ કરતા ગણતરીના સમયમાં જ એકાઉન્ટ ડિલીટ થઈ ગયું હતું. આમ એક જ દિવસમાં બે રાજકીય અગ્રણીઓના ડુપ્લિકેટ એકાઉન્ટ બનતા શહેરમાં રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...