રખડતા ઢોરનો આતંક:નડિયાદમાં ગાય ભુરાટી થતા રસ્તા પર અફરાતફરી મચી, રાહદારીને પછાડી પગેથી છૂંદવા લાગી

નડિયાદએક મહિનો પહેલા
  • ઢોર પકડી રહેલા કામદારો આવી જતા રાહદારીને ગાયની ચુંગાલમાંથી છોડાવ્યો
  • પાલિકાના ઢોર વિભાગની ટીમની નિષ્ક્રિયતાને કારણે નગરમા ગાયોના અડીંગાઓ

નડિયાદમા રોડ પર ઠેકઠેકાણે રખડતા પશુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે પશ્ચિમમા આજે એક મારકણી ગાયે અહીયાથી પસાર થતા રાહદરીને દોડાવી દોડાવી ગોથે ચડાવ્યો હતો. જેના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પાલિકાના ઢોર વિભાગની ટીમની નિષ્ક્રિયતાને કારણે નગરમા ગાયોના અડીંગાઓ જોવા મળતા નગરજનો પાલિકાતંત્ર સામે નારાજગી દર્શાવી છે.

જીવ બચાવવા યુવાન મેદાનમાં દોડી ગયો પણ ગાયે પીછો ન છોડ્યો
નડિયાદ શહેરમાં દિવસે ને દિવસે રસ્તે રખડતો પશુઓનો આતંક વધી રહ્યો છે. શુક્રવારે શહેરના પશ્ચિમ વિસ્તાર એવા શારદા મંદિર વિસ્તારમાં રખડતી એક ગાય મારકણી બની તોફાન મચાવ્યુ છે. આ ગાય રોડ પર આવતા જતા વાહન ચાલકોને તેમજ રાહદારીઓને પોતાના નિશાન બનાવ્યા હતા. રસ્તે જતા એક વ્યક્તિને તો ગાયે દોડાવી- દોડાવીને શીંગડે ચઢાવ્યો છે. જીવ બચાવવા માટે તે વ્યક્તિ દોડીને બાજુમાં આવેલ મેદાનમાં દોડી ગયો હતો. છતાં પણ ગાય તેની પાછળ દોડી પગ વડે ચગદી દીધો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગાયે ચારથી પાંચ વ્યક્તિઓને ગોથે ચડાવી લોહી લુહાણ કર્યા
જોકે આ વ્યક્તિને કોઈ ગંભીર ઈજાઓ થઈ નથી. પરંતુ તેના પહેરેલ કપડા ફાટી ગયા હતા. તુરંત પાલિકાના ઢોર વિભાગના માણસો આવતા વ્યક્તિને બચાવી લેવાયો હતો.નડિયાદ શારદા મંદિર રોડ સાંઈબાબા મંદિર વિસ્તાર અને ઝલક હોટલ રીંગ રોડ વિસ્તારમા આ ગાયે આતંક મચાવતાં અહીયા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. આ ગાયે શારદા મંદિર રોડ વિસ્તારમાં ચારથી પાંચ વ્યક્તિઓને ગોથે ચડાવી લોહી લુહાણ કર્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જોકે પાલિકા તંત્રના ઢોર વિભાગના માણસો દ્વારા બે કલાકની ભારે જહમત બાદ આ મારકણી ગાયને પાંજરે પુરી દેવામા આવતા સ્થાનિકોએ હાશકારો લીધો છે.

નગરજનોને હવે ઘર બહાર નીકળતા પણ ડરે છે
શહેરના ડભાણ રોડ, મીલ રોડ, કપડવંજ રોડ, કોલેજ રોડ, પીજ રોડ વગેરે વિસ્તારોમાં રખડતા પશુઓ રોડ વચ્ચો વચ્ચ બેસી જતાં આવરનવાર રોડ પર ચક્કાજામ થાય છે. આ ઉપરાંત સોસાયટીના નાકાથી લઈને મુખ્ય રસ્તાઓ સુધી રખડતા પશુઓનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે નગરજનોને હવે ઘર બહાર નીકળતા પણ ડર લાગી રહ્યો છે.

શહેરમાં આવા રખડતા પશુઓ મામલે પાલિકા તંત્ર કડક પગલા ભરે તેવી માંગ
પાલિકાના ઢોર વિભાગની ટીમની નિષ્ક્રિયતાને કારણે નગરમા ગાયોના અડીંગાઓ જોવા મળી રહ્યા હોવાનું જાગૃત નગરજનો જણાવી રહ્યા છે. ભુતકાળમાં અગાઉ ટેલીફોન એક્સચેન્જ પાસે એક ગાયે બાળકને અડફેટે લીધો હતો. ત્યારે હવે શહેરમાં આવા રખડતા પશુઓ મામલે પાલિકા તંત્ર કડક પગલા ભરી રખડતાં ઢોરોને અંકુશમાં લાવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...