દુર્ઘટના:લસુન્દ્રા પાસે રોડ સાઇડમાં ઊભેલા દંપતીનું કારની ટક્કરે મોત, રોષે ભરાયેલા રહીશોનો દોઢ કલાક સુધી ચક્કાજામ

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
લસુન્દ્રા પાસે મોપેડ અને ગાડી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં દંપતીનું મોત થતાં લોકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. - Divya Bhaskar
લસુન્દ્રા પાસે મોપેડ અને ગાડી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં દંપતીનું મોત થતાં લોકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો.
  • નડિયાદથી બાલાસિનોર સંબંધીને ઘરે જવારાના દર્શન કરવા જતી વેળા અમદાવાદ-ઇન્દોર હાઇવે પર અકસ્માત સર્જાયો
  • રોડ પરના​​​​​​​ ખાડા મોતનું કારણ બન્યાનો સ્થાનિક રહીશોનો આક્ષેપ
  • ​​​​​​​ચાલકે ઉબડખાબડ રસ્તાના કારણે કાબૂ ગુમાવતાં દંપતીને અડફેટે લીધા બાદ ત્રણ પલટી ખાઇ કાર ગટરમાં ખાબકી: પોલીસેે મામલો થાળે પાડ્યો

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર લસુન્દ્રા પાસે રોડ સાઈડમાં ઉભા રહી મોબાઈલ પર વાત કરી રહેલા દંપતીને કાર ચાલકે અડફેટે લેતા બંનેનાં મોત થયા છે. વરસાદના કારણે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ પર પડેલા ખાડાને કારણે જીવલેણ અકસ્માત સર્જાતા રોષે ભરાયેલા રહીશોએ હાઇવે પર દોઢ કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. જેના કારણે રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

બાલાસિનોરના રાજપુર રોડ પર રહેતા 33 વર્ષીય તારીકભાઇ કાવીઠિયાના ભાઇ અર્જુનભાઇ નડિયાદમાં રહી ફેરીનો વ્યવસાય કરે છે. મંગળવારના રોજ તેઓ તેમના 30 વર્ષીય પત્ની પાયલબેન સાથે મોપેડ લઇને બાલાસિનોર ભાઇના ઘરે જવારાના દર્શન કરવા નીકળ્યા હતા. તેઓ અમદાવાદ-ઇન્દોર હાઇવે પરના લસુન્દ્રાથી થોડે દુર આવેલ ગોપીનાથ ઓટો ગેરેજની સામે સવારે 9.30 વાગે ઉભા હતા.

અર્જુન કાવીઠિયા, પાયલ કાવીઠિયા
અર્જુન કાવીઠિયા, પાયલ કાવીઠિયા

ત્યારે રોડ પરથી પસાર થતી કારના ચાલકે ઉબડ ખાબડ રસ્તાને કારણે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા રોડ સાઈડ ઉભેલા દંપતીને અડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઇજા થતાં બંનેનું મોત થયું હતું. જ્યારે કાર 3 પલટી ખાઈ ગટરમાં જઈ પડી હતી. જિ.પં. સભ્ય પ્રવિણ સિંહે જણાવ્યું હતું કે ઘણા મહિનાઓથી ઇન્દોર-અમદાવાદ હાઇવે ખાડાના કારણે રસ્તો ખરાબ થઇ ગયો છે.રસ્તા ખરાબ હોવાને કારણે એક માસમાં છ અકસ્માત સર્જાયા છે.

2 જોડિયા બહેનો સહિત 4 બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
અકસ્માતમાં મૃત્યુ પામનાર દંપત્તિને લગ્નગાળા દરમિયાન ચાર સંતાન છે. જે ચારેએ આ અકસ્માત બાદ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દિકરો છે. જેમાં સંતાનમાં સૌથી મોટો દીકરો ગૌરવ ઉં. 8 વર્ષ, મોટી દીકરી રાજેશ્વરી ઉં.6 જ્યારે અન્ય બે દિકરીઓ ખુશીયાલી અને ખુશી ઉં.2.5 જોડિયા બહેનો છે. અકસ્માતમાં માતા પિતાની છત્ર ગુમાવતા બાળકો હાલ તેની બહેન પાસે રખાયા છે. ઘટનાને પગલે કાવીઠિયા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...