ત્રણેય મિત્રોને કાળ ભરખી ગયો:કઠલાલ-નડિયાદ રોડ પર રોંગ સાઈડે આવતા કન્ટેનરે મોટરસાયકલને ટક્કર મારી, ત્રણ લોકો ફંગોળાઈને રોડ પર પટકાતા મોત

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કઠલાલના નડિયાદ રોડ પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 3 મિત્રો મોતને ભેટ્યા છે. માતેલા સાંઢની માફક રોંગ સાઈડે આવતા કન્ટેનરે ત્રીપલ સવારી મોટરસાયકલને ટક્કર મારી હતી. જેના કારણે મોટરસાયકલ ચાલક અને પાછળ બેઠેલા બે યુવાનો મળી કુલ 3 લોકોના જીવ હોમાયા છે. આ બાદ કન્ટેનર નજીક આવેલા ડીપીના થાંભલા સાથે ધડાકાભેર અથડાયું હતું. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી
કઠલાલ-નડિયાદ રોડ પર ભાનેર ગામ નજીક ગતરોજ મોડીરાત્રે રોંગ સાઇડે આવી રહેલા કન્ટેનર નંબર (HR 63 D 5943)ના ચાલકે સામેથી આવતાં મોટર સાયકલ નંબર (GJ 07 CN 3473)ને ટક્કર મારી હતી. જેના કારણે આ મોટરસાયકલ ચાલક અશ્વિન દશરથભાઈ પરમાર (ઉ.વ.18) પાછળ બેઠેલા તેનો મિત્ર કિશન રામાભાઈ રાઠોડ (ઉ.વ.19) અને કિશન વિક્રમભાઈ ચાવડા (ઉ.વ.14) તમામ રહે.લાડવેલ, લુણીવાળુ ફળીયું, તા.કઠલાલ રોડ પર પટકાતા માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી આ ત્રણેય મિત્રોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

મોટર સાયકલ લઈને ખેતરમાં જવા નીકળ્યા હતા
આ આકસ્માત સર્જાતા કન્ટેનર રોડ નજીક આવેલા જીઈબીના ડીપીના થાંભલા સાથે અથડાયું હતું. જે બાદ કન્ટેનર ચાલક વાહન મુકી પલાયન થઈ ગયો હતો. અકસ્માતની જાણ મરણજનાર અશ્વિનના પિતા દશરથભાઈને થતાં તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. તેમની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. મૃતક યુવાનના પિતા દશરથભાઈએ એફ આઈ આરમા જણાવ્યાં મુજબ આ ત્રણેય મિત્રો ફળીયામા રહેતા પુનાભાઈ મનાભાઈ પરમારનું મોટર સાયકલ લઈને ખેતરમાં જવા નીકળ્યા હતા અને આ દરમિયાન આકસ્માત સર્જાયો છે. આમ એકજ ગામના ત્રણ દિપક બુઝાયા છે. આ અકસ્માતમાં કોઈકે પોતાનો એકનો એક દીકરો તો બહેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે. આજે એકી સાથે ત્રણેય મિત્રોની અર્થી ઉઠતાં ગામમા ગમગીની છવાઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...