નડિયાદમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ એક સોસાયટીની અંદર સોસાયટીના રહીશે જ સહિયારા રસ્તા તેમજ કોમન પ્લોટ પચાવી પાડવાનો કારસો રચ્યો છે. જેમાં એક દંપતિ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ જવા પામી છે.
અંદરનો 6 મીટરનો રસ્તો
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પેટલાદ રોડ પર આવેલ સમતા પાર્ટી પ્લોટ પાસેની જય એવન્યુ સોસાયટીમાં રહેતા 60 વર્ષીય ઉષાબેન મુકેશભાઈ પટેલે વર્ષ 2011માં અહીંયા રહેતા બટુકભાઈ રણછોડભાઈ પાસેથી મકાન વેચાણ લીધું હતું. આ જય એવન્યુ સોસાયટીનો સીટી સર્વે નંબર 240ની ટીપી નંબર 5 ફાઇનલ પ્લોટ નંબર 94 બ્લોક સર્વે નંબર A/3, A/4મા આવેલ છે. જેમાં કોમન પ્લોટ 490 ચોરસ મીટરનો છે. આ સોસાયટીનો મેઇન રોડ 7.5 મીટર નો છે. જ્યારે અંદરનો 6 મીટરનો રસ્તો આવેલો છે.
આવવા જવાનો રસ્તો હતો ત્યાં ગેરકાયદેસર દબાણ કર્યું
આ સોસાયટીના મકાન નંબર 12ના માલિક રાજેશ્રીબેન બટુકભાઈનુ મકાન આવેલ છે. આ સોસાયટીમાંથી મેઈન રોડ જવાના બે રસ્તા છે અને આ રાજેશ્રીબેનના પતિ બટુકભાઈ જે કન્ટ્રક્શનનું કામ કરે છે તેઓએ આજથી લગભગ સાતેક વર્ષ ઉપર તેમના ઘરની આગળથી સોસાયટીનો મેઈન રોડ ઉપર આવવા જવાનો રસ્તો હતો ત્યાં ગેરકાયદેસર દબાણ કરી મકાન અને અડીને રોડ ઉપર આશરે પાંચ ફૂટની ઈંટો રેતીની સિમેન્ટની ચણતર વાળી દિવાલ બનાવી દીધી હતી
જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો
આજથી આશરે આઠ માસ ઉપર આ બટુકભાઈએ સોસાયટીની માલિકીનો કોમન પ્લોટ જમીનમાં અનઅધિકૃત રીતે ગેરકાયદેસર દબાણ કરવાના ઇરાદે આશરે 10 બાય 10ની બે પાકી દુકાનો બનાવી દીધી છે. અને આ દુકાનો ભાડે પણ આપી દીધી છે. જેથી સોસાયટીના આવા જવાનો રસ્તો તેમજ કોમન પ્લોટની જમીન ઉપર આ બટુકભાઈ રણછોડભાઈએ તથા તેમની પત્ની રાજેશ્રીબેન એ ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દબાણ કરી જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો.
નડિયાદ પશ્ચિમ પોલીસે કાર્યવાહી હાથ ધરી
જેથી સોસાયટીના રહીશોએ અવાજ ઉઠાવતા આ દંપતીએ કોઈનું સાંભળ્યું ન હતું અને કહેવા લાગ્યા કે તમારે જે કરવું હોય તે કરો દિવાલ કાઢવાની નથી, દુકાનો તોડવાની નથી. જેથી આ સમગ્ર મામલો કલેકટર કચેરી ખાતે પહોંચ્યો હતો. જ્યાં ફરિયાદી દ્વારા લેન્ડગ્રેબિગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરાઈ હતી. અને આ અરજીના અનુસંધાને કલેક્ટર દ્વારા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા હુકમ કરતા આજે સમગ્ર મામલે ઉષાબેન મુકેશભાઈ પટેલ દ્વારા શહેરના પશ્ચિમ પોલીસ મથકે ઉપરોક્ત દબાણ કરનાર દંપતિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.