12 વર્ષના બાળકે સૌને મંત્રમુગ્ધ કરી દીધા:નડિયાદના ઓસ્ટીઓજીનેસીસ ઈમ્પર્ફેક્ટાથી પીડાતા 12 વર્ષના પ્રિન્સે મુખ્યમંત્રી સમક્ષ ગીતાના પાઠ કડકડાટ રજૂ કર્યા

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આધુનિક દવાઓથી નહિ પણ આયુર્વેદિક સારવારથી પ્રિન્સની પરિસ્થતિ સુધારી છે: માતા કામિનીબેન મંત્રી

નડિયાદમાં રહેતા દિલીપભાઈ મંત્રી તથા તેમના પત્ની કામિનીબેન મંત્રીના 12 વર્ષનો પુત્ર પ્રિન્સ જન્મથી ઓસ્ટીઓજીનેસીસ ઈમ્પર્ફેક્ટા નામના એક જેનેટિક રોગથી પીડાય છે. આ જેનેટિક બીમારીના કારણે નાનપણથી જ હાડકાઓને યોગ્ય વિકાસના થવાના કારણે પ્રિન્સ રોજિંદી ક્રિયાઓ જાતે કરવા સક્ષમ નથી. હાલ પી. ડી. પટેલ આયુર્વેદ હોસ્પિટલ નડિયાદ ખાતે સારવાર લઇ રહેલ છે.‌ ગતરોજ લોકાર્પણ સમારોહ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અહીંયા આવ્યા હતા અને આ દરમિયાન પ્રિન્સે મુખ્યમંત્રી સમક્ષ ગીતાના શ્લોકના પાઠ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

મુખ્યમંત્રી પણ અચંબામાં મુકાઇ ગયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદમાં મગનલાલ એડનવાલા મહાગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના લોકાર્પણ સમારોહ માટે આવ્યા હતા. તેમણે આ હોસ્પિટલની મુલાકાત દરમિયાન પ્રિન્સ સાથે ખાસ વાતચીત કરી હતી અને તેના ગીતા શ્લોક પઠનથી પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રીએ પ્રિન્સના રોગ વિશે પણ તબીબો પાસેથી જાણકારી મેળવી હતી. આવી ગંભીર પ્રકારની પીડાથી ગ્રસ્ત બાળકની આત્મબળ અને દ્રઢ વિશ્વાસ નીહાળી મુખ્યમંત્રી પણ અચંબામાં મુકાઇ ગયા હતા.

9 વર્ષની ઉંમરે માતાને અનુરોધ કરી પ્રિન્સે ગીતાનો અભ્યાસ શરૂ કર્યો હતો
તેમણે પ્રિન્સના માતાને મળી સધિયારો આપવાની સાથે પ્રિન્સની ગીતાજી પ્રત્યે રુચિને બિરદાવી હતી. શારીરિક પડકારો અને દરેક ક્રિયામાં માતાની સહાય લેવી પડતી હોય તેવી પરિસ્થિતિમાં પ્રિન્સને ટી.વી પર મહાભારતમાં કૃષ્ણ અને અર્જુનનો સંવાદ જોયા બાદ ગીતા અભ્યાસ કરવાની પ્રેરણા મળી હતી. 9 વર્ષની ઉંમરે માતાને અનુરોધ કરી પ્રિન્સે ગીતાનો અભ્યાસ શરૂ કર્યો હતો. અને કોરોનકાળમાં તેઓ આખી ગીતા કંઠસ્થ કરી લીધી. આજે પ્રિન્સને ગીતાના તમામ શ્લોક કંઠસ્થ છે. ઓસ્ટીઓજીનેસીસ ઈમ્પર્ફેક્ટા રોગના કારણે બાળકમાં જન્મથી જ અસ્થિ ધાતુનું નિર્માણ યોગ્ય રીતે થતું નથી. હાડકાનો વિકાસ ન થતા હાડકા ખૂબ નરમ રહેવાથી બાળકનો સર્વાંગી શારીરિક વિકાસ યોગ્ય થતો નથી.

આયુર્વેદિક સારવારના કારણે પ્રિન્સ નાના મોટા કાર્યો કરવા સક્ષમ બન્યો
પ્રિન્સ મંત્રી નડિયાદની પી.ડી. આયુર્વેદિક હોસ્પિટલ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી સમયાંતરે સારવાર મેળવી રહ્યો છે. સર્વાંગ અંત્યાગ, માશપીન્ડ પાંચ કર્મ, ફિઝિયોથેરાપી તથા અન્ય મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા પ્રિન્સને સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલના સ્ટાફ તથા તંત્ર દ્વારા મળતા સહયોગનો આભાર માનતા પ્રિન્સના માતા કામિનીબેન મંત્રી કહે છે કે અમે ધાર્યું ન હતું કે પ્રિન્સની આ સ્થિતિનો કોઈ ઈલાજ હોય શકે. આધુનિક દવાઓ નહિ પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પી.ડી. આયુર્વેદિક હોસ્પિટલ ખાતે સમયાંતરે સારવાર લેવાથી પ્રિન્સમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. આ આયુર્વેદિક સારવારના કારણે પ્રિન્સ થોડા સમય સુધી બેસી શકવા તથા નાના મોટા કાર્યો કરવા સક્ષમ બન્યો છે.

ગણિત અને સંસ્કૃત વિષયમા પ્રિન્સને નિપુણતા અને ડોક્ટર બનવાની મહચ્છા ધરાવે છે
ધોરણ સાતમાં અભ્યાસ કરતા પ્રિન્સને ગણિત તથા સંસ્કૃત વિષયમાં ખૂબ રુચિ છે આગળ અભ્યાસ કરી તે ડોક્ટર બનવા ઇચ્છે છે. પ્રિન્સના માતા પિતાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો તથા પી ડી આયુર્વેદિક કોલેજના ડોક્ટર એસ.એન. ગુપ્તા, ડોક્ટર ઋતુ પટેલ તથા હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...