ખેડા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે કરૂણા અભિયાનની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. કલેકટરે તમામ અધિકારીઓને જણાવ્યું કે, કરૂણા અભિયાન એ ગુજરાત સરકારનુ ખુબ જ સંવેદનશીલ અભિયાન છે. સરકાર પક્ષીઓની પણ ખુબ જ દરકાર લઇ રહી છે. સંકલન બેઠકમાં બેઠેલા તમામ અધિકારીઓને કલેકટરે વિનંતી કરી કે ખેડા જિલ્લામાં કોઈ પણ પક્ષીનું મૃત્યુ ન થાય તે ધ્યાન રાખવાની જવાબદારી સૌ અધિકારીઓની છે. સાથોસાથ કલેકટરએ એન.જી.ઓના સ્વંયસેવકોથી વાત કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું.
ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલને ન ખરીદે
કલેક્ટરએ લોકોમાં કરુણા અભિયાનની જાગૃતિ માટે ગ્રામસભા,સ્કૂલ,કોલેજો, અને સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું જેથી લોકોમાં કરૂણા અભિયાન અંગે જાગૃતિ આવે અને લોકો વધુ સભાન બને. વધુમાં કલેક્ટરે જિલ્લાના તમામ લોકોને વિનંતી કરી કે ચાઈનીઝ દોરી,ચાઈનીઝ તુક્કલને ન ખરીદે. પોલીસ પ્રસાશનને પણ સૂચના આપી કે જો કોઈ વ્યાપારી આ ચાઈનીઝ દોરી અથવા ચાઇનીઝ તુક્કલનો વ્યાપાર કરતો હશે તેના પર સખ્ત પગલાં લેવામાં આવશે.
જિલ્લામાં 60% કે તેથી વધુ પ્રમાણમાં સારસ પક્ષી જે ફક્ત ખેડા જિલ્લામાં જોવા મળે
ખેડા જિલ્લામાં માતર તાલુકામાં વિદેશી પક્ષીઓ પ્રવાસ માટે આવતા હોય છે તેમાં પણ ખેડા જિલ્લામાં 60% કે તેથી વધુ પ્રમાણમાં સારસ પક્ષી જે ફક્ત ખેડા જિલ્લામાં જોવા મળે છે.તેથી સારસ અને અન્ય વિદેશી પક્ષીઓને કોઈ નુકશાન ન થાય તે માટે એક ટીમ મુકવા કલેક્ટરએ ફોરેસ્ટના અધિકારીઓને જણાવ્યું છે. કરૂણા અભિયાન ખેડા જિલ્લામાં 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. એના પછી પણ જિલ્લામાં દોરીના ગુચ્છાથી કોઈ નાગરિક કે પક્ષીઓને ઇજા ન થાય તે માટે નગરપાલિકાના અધિકારીઓને કેટલાક સૂચનો આપ્યા છે.
જિલ્લામાં અંદાજિત 14 કેસ નોંધાયા છે
જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, જિલ્લા પોલીસ દ્વારા જુદા જુદા સ્થળોએ વનવિભાગના સ્ટાફ સાથે સંકલનમાં રહીને ચાઈનીઝ દોરી,ચાઈનીઝ તુક્કલ, નાયલોન દોરી, પ્લાસ્ટિક દોરીનો ગેરકાયદેસર વેપાર કરતા વ્યાપારીઓને ત્યાં દરોડા પાડીને તેમની સામે નિયમસર કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં અંદાજિત 14 કેસ નોંધાયા છે જેમાં 20 લોકોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે.પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી વેંચતા અને ચાઈનીઝ દોરી ખરીદતા લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લામાં વેટરનરી ડોક્ટરની સંખ્યા 9, વેટરનરી હોસ્પિટલની સંખ્યા 17
ડેપ્યુટી કનઝર્વેટીવ ફોરેસ્ટ અધિકારી ટી.કરુપાસ્વામી એ જણાવ્યું કે જિલ્લામાં કરૂણા અભિયાન ચાલશે તે સંદર્ભે જિલ્લામાં જો કોઈ પક્ષીને ઇજા થાય તેવા સંજોગોમાં જિલ્લામાં 8 કલેક્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના 87 સ્ટાફને કરૂણા અભિયાનમાં ડ્યુટી આપવામાં આવી છે. 10 એન.જી.ઓ અને 60 સ્વંયસેવકોની મદદથી જિલ્લામાં કરૂણા અભિયાન કાર્યરત રહેશે. કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લામાં વેટરનરી ડોક્ટરની સંખ્યા 9 છે. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની સંખ્યા 13, વેટરનરી હોસ્પિટલની સંખ્યા 17, ફસ્ટ એઇડ વેટરનરી ડિસ્પેન્સરીની સંખ્યા 18, નડિયાદ તાલુકાના સલુણ ખાતે વેટરનરી પોલીક્લીનીકની સંખ્યા 1, જીવીકે-એએમઆર દ્વારા સંચાલિત મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીની સંખ્યા 7 છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.