વાતાવરણમાં આવેલ બદલાવને કારણે સાદા તાવ શર્દીના દર્દીઓમાં વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં ટાઈફોડના 7 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે ડેન્ગ્યુના 4 કેસ નોંધાયા હતા. ત્યારે મેલેરિયાના કરાયેલ તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. સિઝનમાં ફેરફાર થવાને કારણે અનેક દર્દીઓ વાયરલ તાવ અને ઉધરસ શરદીના કેસમાં સપડાયા હતા.
નડિયાદમાં ગત માસથી મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો હતો. જેને કારણે તાવ અને ઉધરસ શરદીના કેસો સામે આવ્યા હતા. ખાસ કરી પાણી જન્ય રોગ એવા ડેન્ગ્યુના ઓક્ટોબર અને નવેમ્બર માસમાં 4 કેસો નોંધાયા હતા. ઉપરાંત છેલ્લા બે માસમાં તાવના અનેક દર્દીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જેઓના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ટાઈફોડના 304 ટેસ્ટમાંથી 7 દર્દી પોઝિટિવ આવ્યા હતા. ડેન્ગ્યુના 125 દર્દીઓના ટેસ્ટ કરવામાં આવતા 4 દર્દીઓને ડેન્ગ્યુ થયાનું સામે આવ્યું હતું.
જ્યારે મેલેરિયાના 1968 ટેસ્ટ કરવામાં આવતા એક પણ દર્દીનો પોઝિટીવ રિપોર્ટ આવ્યા ન હતા. પરંતુ શિયાળાની ઋતુ શરૂ થતા તાવ, ઉધરસ, શરદીના કેસોમાં વધારો થયો હતો. જેમાં છેલ્લા 2 મહિનામાં સાદા તાવના 1968 કેસ અને ઉધરસ શરદીના 850 કેસો સરકારી હોસ્પિટલના ચોપડે નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં બે દિવસમાં બેવડી ઋતુ રહેતાં ઘેર ઘેર બીમારીનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને શરદી ખાંસીના કેસ વધતાં દવાખાના ઉભરાયાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.