વિધાનસભા ચૂંટણીના 15 દિવસ પહેલા CNG ના ભાવમાં રૂા. 7નો ઘટાડો કરનાર ગુજરાત ગેસ કંપનીએ ચૂંટણી પૂર્ણ થયાના એક જ મહિનામાં ફરી ભાવ વધારો ઝીંક્યો છે. મોંઘવારીના માર વચ્ચે CNG ના ભાવમાં આંશીક ઘટાડાને કારણે વાહન ચાલકો થોડી રાહત અનુભવી રહ્યા હતા. પરંતુ નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જ CNG ના ભાવમાં વધારો આવતા જિલ્લાના 20 હજાર વાહન ચાલકોને દૈનિક રૂ.7 લાખનું ભારણ પડશે. વર્ષની શરૂઆતમાં જ ભાવ વધારો આવતા આ વર્ષ મોંઘવારીનું વર્ષ બની રહેશે તેવી ચર્ચા વાહનચાલકો કરી રહ્યા છે.
CNG કંપની દ્વારા વર્ષ 2022માં ચાર વાર ભાવ વધારો કરી ફક્ત 4 મહિનામાં રૂ.16.42 નો વધારો કર્યો હતો. પરંતુ વર્ષાંત માં વિધાનસભાની ચૂંટણી આવતા ચૂંટણીના 15 દિવસ પહેલા રૂ.7નો ઘટાડો કરતા મધ્યમ વર્ગને થોડી રાહત થઈ હતી. પરંતુ હવે ચૂંટણી પૂર્ણ થતા જ ફરી એકવાર CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
બુધવાર રાત્રે 12 વાગ્યાથી CNG ના ભાવમાં રૂ.3.50 નો વધારો કરી દેવાયો છે. જેના કારણે રૂ.75.02 ના ભાવે મળતો CNG હવે રૂ.78.52 નો થયો છે. મહત્વની વાત છે કે ખેડા જિલ્લામાં એવા 20 હજાર વાહનો નોંધાયેલાં છે જે CNG થી ચાલે છે. પ્રત્યેક વાહન દૈનિક 10 કિલો ગેસનો વપરાશ કરે તો દૈનિક 2 લાખ કિલો ગેસનો વપરાશ થાય, જેના પર રૂ.3.50 ના વધારાની ગણતરી કરતા દૈનિક રૂ.7 લાખનું ભારણ જિલ્લાના વાહન ચાલકો પર આવશે.
જિલ્લા RTO માં ચાર વર્ષમાં 11 હજાર CNG વાહનો નોંધાયા
ખેડા જિલ્લા RTO ની વેબસાઈટ મુજબ કચેરીમાં વર્ષ 2019 થી 2022 સુધીમાં 11 હજાર CNG વાહનોની નોંધણી થઈ છે. વર્ષ 2019 માં 4,152, 2020 માં 1351, વર્ષ 2021 માં 2,079 અને વર્ષ 2022 માં 3,617 સીએનજી વાહનો નોંધાયા છે. જેમાં ફક્ત CNG અને પેટ્રોલ પ્લસ CNG વાહનોનો સમાવેશ થાય છે.
વર્ષ 2022-23માં ભાવ વધારાની સ્થિતિ
તારીખ | ભાવની સ્થિતિ | ભાવમાં વધ-ઘટ |
22 માર્ચ | 70.53 | -- |
05 એપ્રિલ | 76.98 | 6. 45 + |
13 એપ્રિલ | 79.56 | 2. 78 + |
9 મે | 82.16 | 2.60 + |
17 ઓક્ટોબર | 75.02 | 7.14 - |
3 જાન્યુઆરી | 78.52 | 3.50 + |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.