આણંદ જિલ્લામાં થયેલી વાહન ચોરી અને સાઈકલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નડિયાદના ચકલાસીના રામપુરામાંથી વાહન ચોરને ઝડપી લીધો છે. આ ચોરે એક સ્પેલન્ડર વાહન સહિત 4 રેન્જર સાઈકલ ચોરી કરવામાં આવી હતી. આ વાહન ચોરને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
4 રેન્જર સાઈકલ પણ મળી આવી
ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ગતરાત્રે ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે ચકલાસી રામપુરા ખાતે રહેતા અને અગાઉ પ્રોહિબિશન તેમજ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ કનુ ઉર્ફે ગુલીયો વાધેલા કોઈ ચોરીની વસ્તુઓ લાવ્યો છે. આથી પોલીસે તેના ઘરે પહોંચી ગુલીયાને પકડી લીધો હતો. તેની પાસેથી એક સ્પ્લેન્ડર બાઈક સહિત 4 રેન્જર સાઈકલો મળી આવી હતી.
અન્ય વાહનો પણ ચોરી કર્યાની શક્યતા
મળી આવેલા વાહનો વિશે કડક પૂછપરછ કરતા આરોપી કનુ ઉર્ફે ગુલીયાએ આ તમામ વાહનો ચોરીના હોવાનું જણાવ્યું હતું. વધુમાં મોટરસાઈકલની ઉઠાંતરી આજથી આશરે છ માસ પહેલા વિદ્યાનગર સાયન્સ કોલેજ પાસેથી તેમજ ચાર રેન્જર સાયકલો અલગ અલગ સમયે શાસ્ત્રી મેદાનની આજુબાજુથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ સિવાય અન્ય વાહનો પણ ચોરી કરેલ હોવાની આશંકા હોવાથી વધુ તપાસ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.