સોશિયલ મીડિયાના માધ્યમથી આવતી જાહેરાતો કેટલીક ફેક પણ હોય છે. સત્યતા જાણ્યા વગર જ લોકો લોભામણી સ્કીમની લાલચમાં આવી જતા આર્થિક રીતે પોતાને જ નુકસાન કરતા હોય છે. આવો જ કિસ્સો આજે વસોમા જોવા મળ્યો છે. વસોમા દરજીકામ કરતાં વૃધ્ધ ફેસબુકની જાહેરાતમાં ભરમાઈ જતાં રકમ ખોવાનો વારો આવ્યો છે. જુના ચલણી સિક્કાના બદલામાં 5.65 લાખની લાલચમાં દરજીએ રૂપિયા 46 હજાર ગુમાવ્યા છે. જુદા જુદા GST, RBI જેવા અલગ અલગ ચાર્જના બહાને ગઠીયાઓએ નાણાં પડાવ્યા છે. આ બનાવ મામલે વસો પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ખરાઈ કરવા એક નંબર પર મિસ કોલ કર્યો
વસો શહેરમાં રહેતા 66 વર્ષિય કનૈયાલાલ લવજીભાઈ વઢવાણા પોતે બજારમાં દરજીકામનો દુકાન ચલાવે છે. ગત 11મી માર્ચના રોજ તેઓ પોતાની દુકાને હાજર હતા. ત્યારે તેમણે પોતાના ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી. આ જાહેરાતમાં જણાવ્યું હતું કે, તમારી પાસે ભારતીય ચલણના જુના સિક્કા હોય તો તેના બદલામાં મોટી રકમ મળી શકે છે. આ બાદ ક્લિક કરતાં નંબર જોવા મળ્યો હતો. જેમાં સંપર્ક કર્યો હતો. જોકે સૌપ્રથમ તો આ કનૈયાલાલે ખરાઈ કરવા આ નંબર પર મિસ કોલ કર્યો હતો.
પૈસા પડાવવાનો ખેલ શરુ થયો
આ બાદ તુરંત સામેવાળા વ્યક્તિએ ફોન કર્યો અને પોતાનું નામ પંકજ તરીકે આપી કનૈયાલાલ સાથે વાત કરી કે તમારી પાસે ભારતીય ચલણના જુના સિક્કા હોય તો મને વોટ્સએપ કરો. આ પછી કનૈયાલાલે પોતાની પાસે હાજર 6 જુના સિક્કાનો ફોટો પાડી આ નંબર પર વોટ્સઅપ કરતા સામે વાળી વ્યક્તિએ મેસેજ દ્વારા જણાવ્યું કે આ સિક્કાના બદલામાં રૂપિયા 5 લાખ 65 હજાર જેટલી રકમ મળશે. જે બાદ પૈસા પડાવવાનો ખેલ શરુ થયો હતો.
એક બાજુ કનૈયાલાલને લાખોની લાલચ જાગી હતી. તો બીજી બાજુ ગઠીયાઓએ આ લાલચનો લાભ લઇને કનૈયાલાલ સાથે જુદી જુદી રીતે GST, RBI જેવા અલગ અલગ ચાર્જના બહાના હેઠળ ફોન પે મારફતે કુલ રૂપિયા 46 હજાર 80 રૂપિયા પડાવી લીધા હતા. આ પૈકી જ્યારે છેલ્લી રકમ રૂપિયા 31 હજાર 500 ગઠીયાઓએ માગતા કનૈયાલાલે કહ્યું આટલી મોટી રકમ મારી પાસે નથી જેથી ગઠ્ઠી આવ્યો કહ્યું કે તમે હાલ ગુગલ પે મારફતે રૂપિયા 5 હજાર ભરી દો આ બાદ આવતીકાલે વધુ રકમ આપી દેજો તેમ કહ્યું હતું. અને એ બાદ બંન્ને ફોન બંધ બોલતા કનૈયાલાલને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી. આથી આ મામલે તેઓએ વસો પોલીસમાં બે અજાણ્યા મોબાઈલ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.