આયોજન:106 ઉમેદવાર પૈકી 50%ની સ્થળ પર જ પસંદગી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોકરીની લોટરી | ખેડા જિલ્લાના પલાણા ITI ખાતે એપ્રેન્ટીસશીપ મેળાનું આયોજન કરાયું

મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ, શ્રમ કૌશલ્ય વિકાસ અને તાલીમ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેળાનું જિલ્લા કક્ષાનું આયોજન ઔદ્યોગિક તાલીમ સંસ્થા પલાણા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 9 ઔદ્યોગિક એકમોએ ભાગ લીધો હતો. આ ઔદ્યોગિક એકમો દ્વારા 106 ઉમેદવારોમાંથી 53ની સ્થળ પર જ પસંદગી કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ જણાવ્યું હતુ કે કોઈ પણ સંકલ્પને સંકલનથી જ સાધી શકાય છે. આઇટીઆઈઓને આ સંકલનમાં તેમણે જોડનાર કડી ગણાવી હતી.

રોજગાર માટે સરકારના ‘અનુંબંધમ પોર્ટલ’ની માહિતી આપતા તેમણે તમામ યુવાનોને સરકારના પ્રયત્નોમાં સહભાગીદાર થઈ સોશિયલ મીડિયામાં સકારાત્મક બાબતોનો પ્રચાર પ્રસાર કરવાની વિનંતી કરી હતી. મહેમદાવાદ ખાતે થયેલી બિઝનેસ મીટ બાબતે કલેક્ટરએ જણાવ્યું કે રોજગાર આપવાના આ પ્રકારના પ્રકલ્પમાં વધુમાં વધુ નોકરીદાતાઓ સામે ચાલીને નોંધણી કરાવે એ જરૂરી છે. આ માટે તેમણે તમામ સ્તરે નિયમ મુજબ નોકરીદાતાઓને મદદ કરવાની અને તાલીમ કેન્દ્રોમાં વધુમાં રોજગાર-લક્ષી અભ્યાસક્રમો શરૂ કરાવવા માટે ખાતરી આપી હતી.

પ્રાસંગિક ઉદ્દબોધન આપતા જિલ્લા રોજગાર અધિકારી ડી. કે. ભટ્ટે રોજગાર મેળાનો ઉદ્દેશ્ય જણાવતા કહ્યુ કે એપ્રેન્ટીસ રોજગાર મેળા થકી એક જ સ્થળ અને પ્લેટફોર્મ ઉપર વિવિધ કંપનીઓ અને વિવિધ કૌશલ્ય ધરાવનાર રોજગારવાંચ્છુ ઉમેદવારો ઉચિત સંકલન દ્વારા સરળતાથી રોજગાર મેળવી શકે છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.એલ. બચાણી, આસી. લેબર કમિશનર વિપુલ ડાંગર, રોજગાર અધિકારી ધૃમિલ ભટ્ટ, આઇટીઆઈ પલાણા આચાર્ય કે. એચ. સોની તથા જુદા જુદા ઔદ્યોગિક એકમોના એચ.આર, પ્રતિનિધિઓ, આઇટીઆઇ પલાણાના અધિકારીઓ અને રોજગાર વાંછુક ઉમેદવારો હાજર રહ્યા હતા.

કઇ કઇ કંપનીઓ મેળામાં હાજર રહી
આ મેળામાં મફતલાલ ઇન્ડસ્ટ્રી એલટીડી, અંબિકા પોલીમર પ્રાઇવેટ લિમિટેડ, ક્રેસ્ટ કમ્પોઝિટ પ્રાઇવેટ લિમિટેડ, સૂંતારા કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડ, સાયબરનેટિક ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, પોગેનેમ્પ નાગર શેઠ, પાવર ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને સેન્ટનરી પોલીટેક્સ પ્રાઇવેટ લિમિટેડ સહિત કુલ 9 ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...