ગૃહિણીઓ માટે આનંદના સમાચાર:નડિયાદ માર્કેટમાં શાકભાજીની આવક વધતાં ભાવમાં 50% ઘટાડો

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીંબુ, ટામેટા મોંઘા થયા જ્યારે અન્ય શાકભાજી સસ્તા
  • ગૃહિણીઓને હાશ ! બટેટા-ડુંગળી રૂ.30 થી 40ના અઢી કિલો

ઉનાળાની શરૂઆતમાં ઓછી આવકના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા. જેના કારણે ગૃહિણીઓના બજેટ પર અસર પડી હતી. પરંતુ શાકભાજીની આવકમાં ધીરે ધીરે વધારો થતા હવે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલના દિવસોમાં ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે, પરંતુ શાકભાજીનો ભાવ નીચો જતા ગૃહિણીઓ માટે આનંદના સમાચાર આવી રહ્યા છે. નડિયાદના મોટી શાક માર્કેટમાં આજે બટાકા, ડુંગળી, રીંગણ, દુધી, કોબી, ફ્લાવર, કાકડી, ગવાર, ચોરી, ગલકા, સરગવાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ભાવ વધારા-ઘટાડાની આ સ્થિતિમાં લીંબુ અને ટામેટા અપવાદ રૂપ બની રહ્યા છે.

વધતી મોંઘવારીની સાથે સાથે એપ્રિલના મધ્યમાં શાકભાજીના ભાવ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ સમયગાળો એવો હતો, જ્યારે પેટ્રોલ, ડીઝલ, સી.એન.જી., દુધ, ઘી સહિત શાકભાજીના ભાવ પણ આસમાને હતા. એપ્રિલ માસ દરમિયાન જ લીંબુના ભાવ રૂ.350 ને આંબી ગયા હતા. જ્યારે અન્ય શાકભાજીના ભાવ રૂ.50 થી 70 પ્રતિ કિલો પર પહોંચી ગયા હતા. તમામ ચીજવસ્તુઓમાં વધતા ભાવને કારણે મોંઘવારી એ માજા મુકી હતી.

પરંતુ એક મહિના બાદ સ્થાનિક ખેડૂતોની શાકભાજીની આવક શરૂ થતા મોટાભાગના શાકભાજીના ભાવમાં 30 થી 50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જેને લઈ ગૃહિણીઓના ચહેરા પર હાસ્ય જોવા મળી રહ્યો છે. જોકે આ ઘટાડા વચ્ચે હજુ ડુંગળી, બટેટાના ભાવમાં કોઈ ફર્ક પડ્યો નથી, તે હજુ પણ રૂ.30 થી 40 ના અઢી કિલોના ભાવે વેચાણ થઈ રહ્યાં છે.

એક સાથે અઠવાડીયાનું શાકભાજી ખરીદી લીધું
લીંબુ અને ટામેટાને બાદ કરતા મોટાભાગના શાકભાજી આજે સસ્તા મળી રહ્યા છે. આગામી દિવસોમાં શુ ખબર ભાવ વધે કે ઘટે, એટલે અઠવાડીયુ ચાલે તેટલુ શાકભાજી ખરીદી લીધું છે. જેને ફ્રિજમાં સ્ટોર કરી દઈશું એટલે અઠવાડીયાની શાંતિ. > સુલોચનાબહેન તલાટી, ગ્રાહક

લોકલ શાકભાજીની આવક શરૂ થતાં ભાવ ઘટ્યો
નડિયાદ તાલુકાના ખેડુતો ચકલાસી અને નડિયાદ મોટી શાકમાર્કેટમાં સીધુ શાક વેચવા આવી રહ્યા છે. વહેલી સવારે ખેડૂતો જથ્થાબંધમાં શાકભાજી આપી જાય છે. વેપારી અને ખેડૂત સીધો જ સોદો કરતા હોય વચ્ચે દલાલી રહેતી નથી. વેપારીને ઓછા ભાવે શાક મળતા ગ્રાહકોને પણ લાભ થાય છે. > પ્રવિણભાઈ વાઘેલા, વેપારી

મહિના પ્રમાણે ભાવ
શાકભાજી9 એપ્રિલ9 મે
દુધી3020
કોબી4020
ફ્લાવ8060
કાકડી4030
ગવાર6030
ચોરી8060
ગલકા4020
સરગવો7020
અન્ય સમાચારો પણ છે...