ખેડા જિલ્લામાં આગામી 8મી જાન્યુઆરીના રોજ યોજાનારી જીપીએસસી વર્ગ -1 ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષા કામગીરીની અંગે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર દ્વારા જીપીએસસી પરીક્ષા માટે નિમાયેલા જિલ્લાના અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ પરીક્ષાખંડમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે કલેક્ટરએ કેટલાક સૂચનો કર્યાં હતાં. સમગ્ર જિલ્લામાંથી 4690 ઉમેદવારો 19 બિલ્ડીંગોમાં બેસી CCTVની નીગરાની હેઠળ પરીક્ષા આપશે.
મધ્ય ગુજરાત વીજળી બોર્ડના અધિકારીઓને સૂચના આપવામાં આવી
પરીક્ષા કેન્દ્રોમાં વીજળીની અગવડતા ન પડે વિદ્યુત કાપ ન સર્જાય અને જો સર્જાય તો તેની બીજી વ્યવસ્થા તૈયાર રાખવા કલેક્ટર દ્વારા મધ્ય ગુજરાત વીજળી બોર્ડના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. એસ.ટી અધિકારીને બચાણીએ જણાવ્યું કે જિલ્લામાં પરીક્ષા માટે આવતા વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન રહે તેની ખાસ કાળજી રાખવી. વધુમાં કલેક્ટરએ જણાવ્યું કે ગુજરાત મુલ્કી સેવા આપતો દરેક ઉમેદવાર ગુજરાતનું ભવિષ્ય છે અને ઉમેદવારોને પરીક્ષામાં યોગ્ય વાતાવરણ પૂરું પાડવું એ જિલ્લાના તમામ અધિકારીઓની ફરજ છે.
જી.પી.એસ.સીની પરીક્ષા કુલ 200 ગુણની રહેશે જે બે ભાગમાં યોજાશે
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, જીપીએસસી વર્ગ -1 ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષા ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે 19 બિલ્ડીંગોમાં લેવામાં આવશે. જેમાં 196 બ્લોકના 456 વર્ગખંડ સી.સી. ટી.વી કેમેરાની નજર હેઠળ રહેશે. ખેડા જિલ્લામાં 4690 ઉમેદવારો પરીક્ષા આપવાના છે ત્યારે એક વર્ગખંડમાં 24 ઉમેદવારો બેસી શકશે. જી.પી.એસ.સીની પરીક્ષા કુલ 200 ગુણની રહેશે જે બે ભાગમાં યોજાશે. પ્રથમ પેપર સવારે 10 વાગ્યા થી બપોરે 1 વાગ્યા સુધી અને બીજું પેપર બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે.
દિવ્યાંગ અને અંધ વિદ્યાર્થીઓને એક વર્ગખમાં 5 વિદ્યાર્થીઓ બેસી શકશે
કમલેશ પટેલે વધુમાં જણાવ્યું કે, નિરીક્ષકને ડ્યૂટી આપતી વખતે ખાસ બાહેધરી પત્ર લેવામાં આવશે કે પરીક્ષાખંડમાં કોઈ ઉમેદવાર તેમના લોહીના સંબંધમાં અથવા તેમનો ભૂતપૂર્વ વિદ્યાર્થી અથવા તેમના સગામાં નથી સાથોસાથ પરીક્ષામાં વર્ગ નિરીક્ષક દ્વારા કોઈ ગેરરીતી ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવા અનુરોધ તેઓએ કર્યો હતો. દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને અંધ વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા અંગે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ માટે આયોગમાંથી પરવાનગી લેવાની રહે છે, દિવ્યાંગ અને અંધ વિદ્યાર્થીઓને એક વર્ગખમાં 5 વિદ્યાર્થીઓ બેસી શકશે. આવા પરીક્ષાર્થીઓને પરીક્ષાના નિયત સમય ઉપરાંત વધુ એક કલાક મળવા પાત્ર રહેશે.
તંત્ર દ્વારા ખાસ વાહાનોની વ્યવસ્થા પણ કરવામાં આવી
ઉલ્લેખ્ખીય છે કે ખેડા જિલ્લાના 4 પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર થયા છે. જેની વિગત આયોગ દ્વારા પોતાની વેબસાઈટ પર મૂકવામાં આવી છે ઉપરાંત જે તે ઉમેદવારોને એસએમએસ દ્વારા પણ જાણ કરવામાં આવી છે. બદલાયેલા કેન્દ્રો પૈકી જવાહર વિદ્યા મંદીર, સેન્ટર-બી, કપડવંજ રોડ, નડીઆદના બદલે નવું પરીક્ષા કેન્દ્ર યુનિક સ્કુલ ઓફ સાયાન્સ, ટુડેલ, નડીઆદ રહેશે. મ્યુનિસિપલ હાઈસ્કુલ, મિશન રોડ, નડીઆદના બદલે સરસ્વતી હિન્દી વિદ્યા મંદીર, બારકોશીયા રોડ, નડીઆદ રહેશે. ધયામ ઇંગ્લિશ ટિચિંગ સ્કુલ, મંજીપુરા રોડ, નડીઆદના બદલે ખુશ્બ હાઈસ્કુલ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ નજીક મરીડા રોડ, નડીઆદ રહેશે ડી.પી.દેસાઈ હાઈસ્કુલ, કોકણ મંદીર નજીક, નડીઆદના બદલે ભારતી વિનય મંદીર, ચકલાસી, નડીઆદ રહેશે. ઉમેદવારોને કોઇ અગવડતા ન પડે તે હેતુથી જુના કેન્દ્રોથી નવા કેન્દ્રો પર ઉમેદવારોને લઈ જવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ વાહાનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.