બે અકસ્માતમાં ત્રણના મોત:નડિયાદ અને મહેમદાવાદ પાસે બે જૂદા જૂદા અકસ્માતોમાં માતા-પુત્ર સહિત ત્રણ લોકોને કાળ ભરખી ગયો

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં વિતેલા કલાકો દરમિયાન બે જુદાજુદા માર્ગ અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં નડિયાદ નજીક ફતેપુરા સીમમા એક્સપ્રેસ હાઇવે પર બનેલા બનાવમા માતા-પુત્રના તો મહેમદાવાદના સણસોલી નજીક સાયકલ લઈને મંદિરે દર્શન કરવા જતાં એક કિશોરનું મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ચકલાસી અને મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત
વડોદરામા બ્રહ્મા રેસિડેન્સી ખાતે રહેતા 36 વર્ષીય જ્યોર્જ મનસા પરમાર ગતરોજ પોતાની પત્ની જેનેટ, 6 વર્ષનો દિકરો જોવિન તેમજ પોતાના મોટાભાઈ અમિત તથા ભાભી અને તેઓના પુત્ર સાથે આઈટેન કાર નંબર (GJ-06-KP-6420)મા બેસી અમદાવાદથી વડોદરા પોતાના ઘરે આવી રહ્યા હતા. આ કાર જ્યોર્જભાઈ ચલાવતા હતા. સાંજના સાડા છ વાગ્યાના અરસામા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે વડોદરા તરફ જતા હતા. ત્યારે નડિયાદ નજીકના ફતેપુરા સીમમા આગળ જતી એક સફેદ કલરની ઓલ્ટો ગાડી વાળાએ અચાનક બ્રેક મારતા જ્યોર્જભાઈએ પોતાની ગાડીને બ્રેક મારી હતી. આ સમયે પાછળથી પુર પાટે આવતી લક્ઝરી બસ નંબર (GJ-38-T-3635)ના ચાલકે આઈટેન કારને પાછળથી ટક્કર મારી હતી.

ટક્કર એટલી ભયંકર કે કાર રેલિંગ સાથે ભટકાઇ
આ ટક્કર એટલી જોરદાર હતી કે, ઉપરોક્ત જ્યોર્જભાઈની કાર એકદમ ટર્ન વાગી ગઈ અને રેલિંગ સાથે ભટકાઇ પડી હતી. આ અકસ્માતમાં કારમા બેઠેલા ચાલક સહિત તમામ લોકોને ઇજાઓ પહોંચી હતી. ચાલકે તુરંત અહીંયાથી પસાર થતાં અન્ય વાહનને અટકાવી ઘાયલ થયેલા પોતાના પુત્ર, ભાઈ, ભાભી તેમજ તેમના દીકરાને તુરંત વાહન મારફતે દવાખાને મોકલી દીધા હતા. જોકે તેમની પત્ની જેનેટ ગાડીમાં ફસાઈ ગઈ હતી, 108 એમ્બ્યુલન્સ વાન મારફતે તેણીને ગાડીમાંથી બહાર કાઢી કરમસદ ખાતેની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણીનું મોત નિપજ્યુ હતું. તો બીજી બાજુ તેમના 6 વર્ષિય માસૂમ પુત્ર જોવિનનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો વળી પોતાના ભાઈ, ભાભી તથા ભત્રીજાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે જ્યોર્જ મનાસ પરમારે ઉપરોક્ત લક્ઝરી બસના ચાલક સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

બે કિશોરો સાયકલ લઈને દર્શન કરવા નીકળ્યા હતા
અમદાવાદ શહેરના જશોદાનગર વિસ્તારમાં જૂની વસાહત મકાન નંબર 28મા રહેતા 26 વર્ષિય ફુલચંદ બુધ્ધીલાલ ગૌતમ અને તેમના પડોશમાં રહેતા 15 વર્ષિય વિરેન નાથુભાઈ સરગરા બંને લોકો પોતાની સાયકલ લઈને મહેમદાવાદ પંથક ખાતે આવેલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે દર્શન કરવા નીકળ્યા હતા. આ દરમિયાન નેનપુર ચોકડી પાસે સણસોલી ગામની સીમમાં પુરપાટે આવતી મોટર સાયકલે વિરેનની સાયકલને ટક્કર મારી હતી. બાદમાં વિરેનને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા મોટરસાયકલ ચાલકે ઉભા રહી આ કિસોરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ટૂંકી સારવાર દરમિયાન વિરેનનુ કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ફુલચંદ ગૌતમે મહેમદાવાદ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે ઉપરોક્ત મોટરસાયકલ ચાલક વિપેન્દ્ર બ્રિજેશભાઈ કનોજીયા (રહે.અમદાવાદ) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નહોતી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...