દરોડા:નડિયાદમાં 5 માસમાં ફરી દરોડા 2.84 લાખનો મુદ્દામાલ ઝડપાયો

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રાન્ડેડ મોબાઇલની ડુપ્લિકેટ એસેસરીઝ વેચતાં 2 વેપારીઓને ત્યાં દરોડા

નડિયાદ શહેરમાં ડુપ્લિકેટ મોબાઇલ એસેસરીઝ નું વેચાણ કરતી બે દુકાન પર કંપનીના અધિકારીઓ દ્વારા દરોડો પાડી લાખો રૂપિયાનો ડુપ્લિકેટ સામાન ઝડપી પાડવામાં આવ્યો છે. ગ્રીફીંગ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રો. સર્વિસ ટીમ દ્વારા સોમવારે સાંજના પીજ રોડ પર આવેલા બે દુકાનમાં દરોડા પાડવામાં આવ્યો હતો. ત્યાંથી બ્રાન્ડેડ કંપની લાખો રૂપિયાનો ડુપ્લિકેટ સામાન મળી આવ્યો હતો.

મુંબઇ સ્થિત ગ્રિફીન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રો.સર્વિસ કંપની દેશમાં બ્રાન્ડેડ કંપનીઓના કોપીરાઇટ હક્કોની જાળવણી કરવા ઓથોરીટી મળી છે. કંપની દ્વારા બ્રાન્ડેડ કંપનીના હક્કોના ભંગ કરતા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ કરે છે.

કંપનીના મેનેજર વિશાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઓમ એલિગન્સ કોમ્પલેક્ષમાં આવેલ સ્ટેપ ઇન ફેશન અને ઓમ ઝેરોક્ષ મોબાઇલ એસેસરીઝ દુકાનોમાં આઈ-ફોન કંપની એપલ સિમ્બોલવાળી ડુપ્લીકેટ મોબાઇલ એસેસરીઝ જેમાં એરબર્ડસ, કેબલ, કવર, ઇયરફોન, વોંચ જેવી વસ્તુનું આઈ-ફોનના નામે વેચાણ કરે છે.

જે અન્વયે તે અને તેમની ટીમ નડિયાદ આવી સ્થાનિક પોલીસની મદદ મેળવી બાતમી આધારિત સ્થળે રેડ કરી હતી. બાતમી આધારિત બંને જગ્યા પર તપાસ કરતા ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરી કંપનીના કોપીરાઇટ હક્કોનો ભંગ કરી, ગેરકાયદેસર વેપાર ચલાવતા હોવાનું માલૂમ પડ્યુ હતુ.

જે માલ ચેક કરતા એપલ કંપનીની વિવિધ વસ્તુઓ મળી કુલ રૂ 2, 41, 500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બાદ કપંનીના મેનેજર અને પોલીસ ટીમે ઓમ ઝેરોક્ષ મોબાઇલ એસેસરીઝની દુકાનમાં દરોડા પાડી કુલ રૂ 43 હજારનો મુદ્દામાલ મળી બંને સ્થળો પરથી કુલ રૂ 2 લાખ 84 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ અંગે કંપનીના મેનેજર નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ આપતા પશ્ચિમ પોલીસે અર્પણકુમાર નવીનચંદ્ર શાહ રહે, થાપાવાળી ખડકી કઠલાલ અને નિચિકેત સુરેશકુમાર નાથાણી રહે, જલારામ નગર સોસાયટી પીજ રોડ નડિયાદ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દરોડા પાડે છે, પરંતુ કાર્યવાહી થતી નથી
નડિયાદ શહેરમાં વારંવાર કોપીરાઈટ એક્ટ હેઠળ જુદા જુદા સ્થળ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં પોલીસ ફરિયાદ પણ થાય છે. પરંતુ બાદમાં કોઈપણ પ્રકારની સચોટ કાર્યવાહી નહીં થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તા.1 માર્ચના રોજ સ્ટેપ ઇન દુકાનમાં અગાઉ આજ પ્રકારે દરોડા પાડવામાં આવ્યા હતા, જે બાદ કાર્યવાહીની ફાઈલ અભેરાઈ પર ચઢી જતા કોઈ સચોટ પરિણામ ન મળતા ફરી વેચાણ કરતો ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...