નડિયાદની આસપાસના તાલુકામાં એનઆરઆઇની સંખ્યા સારા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે નડિયાદ થી છુટા પડી અલગ તાલુકાનું રૂપ પામેલા વસો ગામના આશરે 25 ટકા લોકો વિશ્વના વિવિધ દેશોમાં સ્થાયી થયા છે. હજારો કિલોમીટર દૂર હોવા છતા તેઓનો વતન પ્રત્યેના પ્રેમમાં થોડું પણ અંતર જોવા મળ્યું નથી. તાલુકામાં થતા વિકાસના કાર્યો, સમસ્યાના નિવારણ અને દરેક પરિસ્થિતિમાં વતની પડખે ઉભા રહી પોતાની ફરજ બજાવી વસો તાલુકાની પ્રગતિમાં બનતો ફાળો આપે છે.
નડિયાદની પડોશમાં આવેલ વસો 12 હજારની વસ્તી ધરાવે છે. જેમાંથી આશરે 25 ટકા લોકો વિદેશમાં સ્થાયી થયા છે. પરંતુ વારતહેવારે, પ્રસંગોમાં અચૂકથી આવીને વતનનો પ્રેમ પોતાના હ્યદયમાં જીવંત રાખે છે. બધી રીતે સધ્ધર એવા વસો તાલુકામાં તમામ પ્રકારની સગવડો આવેલી છે. રસ્તા, ગટર, પાણી પાઇપલાઇન અને તમામ પ્રકારની જીવન જરૂરિયાતના સાધનો થી સજ્જ તાલુકાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનનો વ્યવસાય ધરાવે છે. વસોધરા માતાના નામ પરથી વસો નામ પડ્યું હતું.
ઉપરાંત તાલુકામાં વસોધરા માતાનું મંદિર, નીલકંઠ મહાદેવ, ધારનાથ મહાદેવ, રામજી મંદિર, દરબાર ગોપાળદાસ ટાવર, જુમ્મા મસ્જિદ આવેલી છે. દિવાળી અને ઉત્તરાયણના તહેવારમાં આસપાસના 500 થી વધુ ગામડાના લોકોના મુખે વસો ગામ અચૂક પણે હોય છે. જેમાં દિવાળીના સમયે બનતી પ્રખ્યાત વસોની હવઇ અને વસોનો માંજો ખરીદવા આસપાસના લોકોની પડાપડી થતી હોય છે. જેમાં ઉત્તરાયણના સમયગાળા દરમ્યાન વસોના વેપારીઓ માંજા દ્વારા આશરે રૂ.2 કરોડ થી વધુનો ધંધો કરે છે.
ઉપરાંત વસોમાં આવેલ ભગવાન સ્વામિનારાયણ પગલાના દર્શનાર્થે વાર તહેવારે હજારો લોકો ઉમટે છે. ત્યારે તમામ લોકો તેની પાસે આવેલ રામસરોવરની અચૂક મુલાકાત કરે છે. આ સરોવરની પાસે આવેલ મંદિરમાં રામાયણ કાળ વખતે ભગવાન રામ તથા તેમના ભાઇઓ દ્વારા મંદિર સ્થાપિત કરવામાં આવ્યા હોવાનું પૂજારીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.