આનંદો:ખેડામાં 18,450 મેટ્રીક ટન ખાતરનો જથ્થો ઠલવાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિ સિઝનમાં ખેડૂતોને યુરિયા, ડીઅેપી અને અેનપીકે ખાતરની તંગી નહીં પડે
  • જિલ્લાના તમામ તાલુકા મથકો પરની મંડળીઓમાં જથ્થો પહોંચાડી દેવાયો

ખેડા જિલ્લામાં રવિ સીઝન ની શરૂઆત ટાણે ખેડૂતોને ખાતરની તંગી નહીં નડે. ખેડૂતો તમાકુ અને ઘઉં નો પાક લેવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે જ 18,450 મેટ્રીક ટન ખાતરનો જથ્થો આવી પહોંચતા આ સીઝનમાં પૂરતી માત્રામાં જથ્થો મળી રહેશે. અા જથ્થો તમામ તાલુકા મથકો પરની મંડળીઓમાં પહોંચાડી દેવામાં આવ્યો છે.

ખેડા જિલ્લામાં રવિ સિઝન દરમિયાન તમાકુ અને ઘઉંની ખેતી થતી હોય છે. નવેમ્બરના મધ્યાંતરથી ખેડૂતો ખેતીની શરૂઆત કરતા હોય છે. જેના માટે ખાતરની જરૂર પડતી હોય છે. આ વર્ષે સમયસર ખાતરની આવક થતાં ખેડૂતોએ ખરીદી પણ શરૂ કરી દીધી છે. જિલ્લામાં રવિ સિઝન દરમિયાન અંદાજીત 4 હજાર હેક્ટરમાં ઘઉં તેમજ 6 હજાર હેક્ટરમાં તમાકુની ખેતી થતી હોય છે. જે માટે આ વર્ષે 13,450 મેટ્રિક ટન યુરિયા ખાતર, 2,500 મેટ્રીક ટન ડીએપી ખાતર તેમજ 2,500 મેટ્રીક ટન એનપીકે ખાતર આવી પહોંચ્યું છે. ખાતરનો પુરતો જથ્થો આવી પહોંચ્યો હોય સમગ્ર સિઝન દરમિયાન ખેડૂતોને પૂરતી માત્રામાં ખાતર મળી રહેશે.

સમયસર ખાતર મળતાં ખેતીમાં રાહત
હવે ઠંડીની શરૂઆત થશે જે ઘઉંની સિઝન માટે શ્રેષ્ઠ સમય છે. ઘઉંની ખેતીમાં ખાતરની જરૂર હોય એકાદ બે દિવસમાં ખાતરની ખરીદી કરીશું. ખાતર ભરવા માટે અત્યારનો સમય શ્રેષ્ઠ છે. > અમૃત પટેલ, ખેડૂત, વસો

તમાકુમાં વધારે ખાતરની જરૂર પડે
સામાન્ય રીતે ઘઉંની ખેતી કરતા હોય તેને વિઘે એક થેલીની જરૂર પડતી હોય છે. પરંતુ તમાકુની ખેતી કરતા હોય તેવા ખેડૂતોને વધારે ખાતરની જરૂર પડતી હોય છે. જેથી તમાકુની ખેતી કરનાર ખેડૂત એડવાન્સમાં ખાતરનો જથ્થો ખરીદી સંગ્રહ કરતા હોય છે. > વિજય પટેલ, ખેડૂત, ડભાણ

અન્ય સમાચારો પણ છે...