રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ખેડા જિલ્લાની 6 બેઠકો પર પણ 44 જેટલા ઉમેદવારોએ પોતાના નસીબ અજમાવ્યાં હતા. જોકે, ભાજપ લહેર અને મોદી મેજિકના કારણે ખેડાની તમામ બેઠક ભાજપના ફાળે ગઈ છે. આ તમામ વચ્ચે 18 હજારથી વધુ મતદારોએ નોટા 'Non of The above' (NOTA)નો ઉપયોગ કર્યો છે. જે ગત ટર્મની સરખામણીમાં આ આંક ઓછો છે. જેના કારણે મતદારોને ચૂંટણીમાં પારદર્શિતા અને પસંદ કરેલા ઉમેદવારો પર ભરોસો વધ્યો છે.
ગત ચૂંટણીમાં 19 હજારથી વધુ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો
જિલ્લાની 6 વિધાનસભા બેઠક પર ભાજપનું ફેક્ટર કામ કરી ગયું છે. માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજની બેઠક પર ભાજપના ઉમેદવારો જીત્યા છે. તો વળી કોંગ્રેસના ઉમેદવારો પાછા પડી ગયા છે અને હાર્યા છે. વાત કરીએ મતદારોના ભરોસાની તો આ ચૂંટણીમાં 'Non of The above' (NOTA)નો 18 હજાર 385 મતદારોએ મતદાન કર્યું છે. આ સાથે ગત ટર્મ એટલે કે, વર્ષ 2017ની ચૂંટણીમાં કુલ 19 હજાર 218 મતદારોએ 'Non of The above' (NOTA)નો ઉપયોગ કર્યો હતો. જે આ વર્ષની સરખામણીમાં 833 મતનો ઘટાડો છે. ચાલુ વર્ષે નડિયાદમાં તો ગત ટર્મમાં માતર બેઠક પર સૌથી વધુ લોકોએ નોટામાં મતદાન કર્યું હતું.
નડિયાદમાં નોટાના મતનો વધારો થયો
જિલ્લાની 6 બેઠક પર નોટામાં પડેલા મતની વિગત જોઈએ તો, માતર બેઠક પર 2 હજાર 777 મત, જ્યારે ગત ટર્મમાં 4 હજાર 90 આમ 1 હજાર 313 મતનો ઘટાડો જોવા મળે છે. નડિયાદ બેઠક પર 3 હજાર 672 મત, જ્યારે ગત ટર્મમાં 2 હજાર 363 આમ આ બેઠક પર 1 હજાર 309 મતદારોએ વધુ નોટાનો ઉપયોગ કર્યો છે.
મહેમદાવાદ, મહુધા ,ઠાસરા અને કપડવંજ બેઠક પર પણ ઘટાડો
મહેમદાવાદ બેઠક પર 3 હજાર 535 મત, જ્યારે ગત ટર્મમાં 2 હજાર 526 આમ 1 હજાર 9 મતનો ઘટાડો જોવા મળ્યો છે. મહુધા બેઠક પર 2 હજાર 526 મત, જ્યારે ગત ટર્મમાં 3 હજાર 838 મત, આમ 1 હજાર 312 મતનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે ઠાસરા બેઠક પર 2 હજાર 687 મત તો ગત ટર્મમાં 3 હજાર 811 મત આમ 1 હજાર 130 મતનો ઘટાડો જોવા મળ્યો છે અને કપડવંજ બેઠક પર 3 હજાર 188 મત, તો ગત ટર્મમાં 2 હજાર 590 મત, આમ 598 મતનો ઘટાડો જોવા મળ્યો છે.
ગત ટર્મ કરતાં ચાલુ વર્ષે 3.71 ટકા મતદાન ઘટ્યું
રદ થયેલા મતોની વિગત જોઈએ તો, કુલ 1 હજાર 66 મતો રદ થયા છે. જેમાં માતર બેઠક પર 105, નડિયાદ બેઠક પર 143, મહેમદાવાદ બેઠક પર 212, મહુધા બેઠક પર 87, ઠાસરા બેઠક પર 300 અને કપડવંજ બેઠક પર 219 મતો રદ થયા છે. આમ સૌથી વધુ કપડવંજ બેઠક પરથી અને સૌથી ઓછા મહુધા બેઠક પર જોવા મળ્યા છે. આ વચ્ચે ગત ટર્મ કરતાં ચાલુ વર્ષે 3.71 ટકા મતદાન ઘટ્યું એ ચિંતાનો વિષય બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.