ખેડા જિલ્લાના નડિયાદમાં ચોરીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી પવનચક્કી રોડ પરની નિલકમલ સોસાયટીમાં ધોળા દિવસે ઘરમાં જાણભેદુ ઈસમે ચોરીને અંજામ આપ્યો છે. નવાઈની વાત તો એ છે કે, પરિવારના મોભીએ ઘર છોડીને ગયેલી પોતાની પુત્રી અને તેના મિત્ર સામે ચોરીની શંકા વ્યક્ત કરી છે. સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
સોના-ચાંદી સહિત 1.65 લાખની ચોરી
નડિયાદમાં પવનચક્કી રોડ પરની નિલકમલ સોસાયટીમાં રહેતા 55 વર્ષીય પ્રવીણ પરમાર પોતે વિદ્યાનગર ખાતે સિરામીક ફેક્ટરી ચલાવે છે. ગત 11 માર્ચે દરરોજની જેમ પ્રવિણ પરમાર ધંધા વેપાર અર્થે સવારના આઠેક વાગ્યે વિદ્યાનગર નીકળી ગયેલા. બપોરના બારેક વાગ્યાના સમયે તેમનો દીકરો તથા પત્ની પણ સ્કૂલમાં ગયા હતા. સાંજે સર્વિસ કરી આવેલી પત્નીએ પોતાના ઘરના પાછળનો દરવાજો ખુલ્લો જોયો હતો. જેથી ઘરમાં તપાસ કરતા તિજોરીનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો. તિજોરીની અંદરના ડ્રોવરના પણ લોક તોડી કાઢવામાં આવ્યા હતા. ઘરના કબાટના ડ્રોવરમાં મૂકેલ ડિસમીસ પર તિજોરીના કલરના નિશાન પડેલા હતા. તપાસ કરતાં અહીંયા મૂકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા સહિત કુલ રૂ. 1 લાખ 65 હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતુ. કોઈ જાણભેદુ તસ્કરે ચોરી કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.
દીકરી અને તેના મિત્ર સામે ચોરીની શંકા
આ બનાવ મામલે ઘરના મોભી પ્રવિણકુમારે અજાણ્યા તસ્કરો સામે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજી બાજુ આ ફરિયાદમાં પોતાની સગી પુત્રી કે જે તેમના હાકામાં નથી અને ઘર છોડીને ચાલી ગઈ હતી તેનું નામ પણ છે. પ્રવિણકુમારે બે લગ્ન કર્યા છે અને આ દીકરી પ્રથમ પત્નીની હોવાથી તે તેની માતા સાથે રહેવા ચાલી ગઈ હતી. પ્રવિણ પરમારે આ દીકરી અને તેના મિત્ર સામે ચોરીની શંકા વ્યક્ત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.