11 માસની બાળકીને જીવનદાન:મહેમદાવાદના નેનપુરમા 11 માસની બાળકી રમતા રમતા મેંસ આંજવાની ડબ્બીનુ ઢાંકણું ગળી ગઇ, નડિયાદના તબીબે મોતના મુખમાંથી બચાવી

નડિયાદ3 મહિનો પહેલા
  • સુપ્રીત પ્રભુ ENT હોસ્પિટલના ડોક્ટરે એન્ડોસ્કોપ વડે તાત્કાલિક ઢાંકણને બહાર કાઢ્યું
  • શ્વાસ લેવામાં તકલીફો ઊભી થઈ હતી પરિવાર પણ ચિંતામા ગરકાવ થઈ ગયો હતો

નાના બાળકો રમત રમતમા અજાણતાથી મોતના મુખમાં ધકેલાઈ જાય છે. આવા અનેક કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે. આજે સવારે મહેમદાવાદના નેનપુરમા રહેતી 11 માસની બાળકી રમતા રમતા મેંસ આંજવાની ડબ્બીનુ 2x2 સે.મી.નુ ઢાંકણ ગળી ગઈ હતી. જેની જાણ પરિવારજનોને થતાં પરિવારજનોએ નડિયાદમા આવેલ સુપ્રીત પ્રભુ ENT હોસ્પિટલે લઈ ગયા હતા. આ હોસ્પિટલના તબીબ ડોક્ટર સુપ્રિત પ્રભુએ એન્ડોસ્કોપ વડે તાત્કાલિક ઓપરેશન કરી બાળકીના કંઠસ્થ ભાગે અટકાયેલી ઢાંકણ બહાર કાઢી મોતના મુખમાંથી ઉગારી લીધી છે.

મેંસ આંજવાની ડબ્બીનુ ઢાંકણ ગળી ગઈ
મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામે રહેતા ભલાભાઈ પરમારના ઘરે હજુ પારણુ બંધાયે 11 માસ જેટલો સમય થયો છે. ત્યાં તેઓના ઉપર આફતોનો પહાડ તૂટી પડ્યો હતો.‌ તેમની 11 માસની દીકરી જીયા આજે સવારે પોતાના ઘરે ઘોડીયામા રમી રહી હશે અને એકાએક આ દીકરીએ બાજુમાં પડેલ મેંસ આંજવાની ડબ્બીનુ ઢાંકણ મોમા મૂકી ગળી ગઈ હતી. આની જાણ પરિવારજનોને થતાં તેઓ ગભરાઈ ગયા હતાં. એકબાજુ નાની અણસમજુ બાળા રડવાનો અવાજ બંધ નહોતી કરતી તો બીજી બાજુ તેને ધીરે ધીરે શ્વાસ લેવામાં પણ તકલીફ ઉભી થઇ હતી.

એલ્યુમિનિયમનુ 2x2 સે.મી.નુ ઢાંકણ બહાર કાઢ્યું
પરિવારજનો હાંફતા હાંફતા સિધા વડા મથક નડિયાદમા આવેલ વીકેવી રોડ પરની સુપ્રીત પ્રભુ ENT હોસ્પિટલમા લઈ આવ્યા હતાં. જ્યાં તબિબ ડોક્ટર સુપ્રિત પ્રભુએ સૌપ્રથમ નિદાન કરી હકીકત મેળવી હતી. અને આ બાદ તુરંત એન્ડોસ્કોપ વડે ઓપરેશન કરી ગળા (કંઠસ્થ)ના ભાગે ફસાયેલું એલ્યુમિનિયમનુ 2x2 સે.મી.નુ ઢાંકણ બહાર કાઢ્યું છે અને બાળાને નવુ જીવન બક્ષ્યું છે. બાળાને શ્વાસ લેવામાં ભારે તકલીફો ઊભી થઈ હતી પરિવાર પણ ચિંતામા ગરકાવ થઈ ગયા હતા અને જીયા બચશે કે નહી તેની ચિંતા સતાવી રહી હતી. જોકે તબિબે તુરંત સમયસૂચકતાથી ગણતરીના મીનીટોમાં એન્ડોસ્કોપી વડે સફળ ઓપરેશન કરી આ બાળાના જીવને બચાવી નવુ જીવન બક્ષ્યું છે.

ઊંધી સુવડાવીને લાવ્યા હતા તે હિતાવહ નિવડ્યું: ડો.સુપ્રિત પ્રભુ
ડો.સુપ્રિત પ્રભુએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાળા ઢાકણ ગળી જતા તેણીને શ્વાસ લેવામાં ભારે તકલીફો પડતી હતી. અમારી હોસ્પિટલમાં આ પેશન્ટ લગભગ 11 વાગ્યાની આસપાસ આવ્યું હતું અને ઢાંકણ ગળાના ભાગે ફસાયેલુ હતું જેથી નળીમાં 90% જેટલુ બ્લોક હતી અને માત્ર 10% પર જ શ્વસનની પ્રક્રિયા ચાલતી હતી. ઉપરાંત આ બાળાને તેઓના પરિવારજનો ઊંધી સુવડાવીને લાવ્યા હતા જેથી ઢાંકણ ગળાના ભાગેથી આસાનીથી નીકળી ગયુ. જો છતી સૂવડાવીને લાવ્યા હોત તો તે બાળકી આ ઢાંકણ ગળી જતા અને મોત તરફ ધકેલાત. આમ પરિવારજનો અને તબિબની સમયસૂચકતાથી મોતી આફત ટળી છે.

અન્ય સમાચારો પણ છે...