સુરતથી ઉત્તરપ્રદેશ કાપડના પાર્સલ ભરી જઈ રહેલા કન્ટેનરમાંથી ચાલુ વાહને 10 નંગ કાપડના પાર્સલોની ચોરી થઈ હતી. જેને લઈ ચકચાર મચી છે. લાડવેલ ચોકડીથી કપડવંજના કાપડીવાવ પાખિયા વચ્ચે કોઈ અજાણ્યા ઈસમોએ કાપડના પાર્સલોની ચોરી કરી ફરાર થયા હતા. કન્ટેનરચાલકે કપડવંજ પાખીયા આગળ આવેલી હોટલ પાસે વાહન ઊભુ રાખી ચેક કરતાં કન્ટેનરનો પાછળના દરવાજાનું સીલ તૂટેલી હાલતમાં અને અંદરથી 10 નંગ કાપડના પાર્સલો કિંમત રૂપિયા 80 હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ સંદર્ભે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે.
રાજસ્થાનના ઝુનઝુન જિલ્લાના મલસિસર પંથકમાં રહેતા દરિયાસિંગ ચંદ્રરામ ચૌધરી પોતે ચુરુ જિલ્લામા આવેલા આદિત્ય લોજિસ્ટિક કાર્ગો મૂવર્સ નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ટ્રક ચાલક તરીકે ફરજ બજાવે છે. આ ટ્રાન્સપોર્ટની ટ્રકો સુરત ખાતેની મા અન્નપૂર્ણા ટ્રાન્સપોર્ટથી ઉત્તર પ્રદેશના મેરઠમાં અન્નપૂર્ણા ટ્રાન્સપોર્ટમાં કાપડના માલના ટ્રાન્સપોર્ટેશનમાં નિયમિત રીતે ફરે છે.
ગત 12મે સાજે સુરત ખાતે આવેલ મા અન્નપૂર્ણા ટ્રાન્સપોર્ટ ખાતેથી કન્ટેનર ટ્રક નંબર (RJ 10 GB 6267)માં કાપડના પાર્સલ ભરી ટ્રક ચાલક દરિયાસિંગ ચંદ્રરામ ચૌધરી ઉત્તરપ્રદેશના મેરેઠ ખાતે લઇ જતા હતા. મધરાત્રે આ કન્ટેનર ખેડા જિલ્લાના અલીણા થઈ લાડવેલ ચોકડી નજીક પહોંચી હતી. જ્યાં કન્ટેનર ટ્રક ચાલકે પોતાનું વાહન સાઈડમાં ઉભુ રાખી ટાયર ચેક કરતા આ સમયે વાહનના પાછળના દરવાજાનો લોક બંધ હતો. આબાદ વાહનચાલકે પોતાની કન્ટેનર ટ્રક લાડવેલ ચોકડી પસાર કરી શીકંદર પોરડા ચોકડી થઈ કાપડીવાવ પાખિયા તરફ જતા હતા તે સમય વચ્ચે આવેલી હોટલ ખાતે જમવા રોકાયો હતો.
જે સમય ટ્રક ચાલક દરિયાસિંગે જોતા કન્ટેનરના પાછળના દરવાજાનું સીલ તૂટેલી હાલતમાં હતું અને અંદરથી 10 જેટલા કાપડના પાર્સલ ઓછા જણાયા હતા. જેથી આ સમગ્ર મામલે ચાલકે પોતાના માલિકને જાણ કરી હતી અને આજે ટ્રકચાલકે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે ચાલુ વાહને 10 નંગ કાપડના પાર્સલો કિંમત રૂપિયા 80 હજારના મુદ્દામાલની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.