જમીનકૌભાંડ:માતરમાં બોગસ ખેડૂત ખાતેદારનું કૌભાંડ બહાર આવતાં ચકચાર મચી છે, 240 બોગસ ખેડૂતે પુરાવા રજૂ ન કર્યા

માતર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 260 ખાતેદારે રજૂ કરેલા પુરાવા શંકાસ્પદ

માતરમાં બોગસ ખેડૂત ખાતેદારનું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી છે. અગાઉથી જ કૌભાંડની આશંકાએ હાથ ધરાયેલ તપાસમાં કુલ 1730 કેસોની તપાસ કરવામાં આવતા પ્રાથમિક તબક્કે 627 બોગસ ખેડૂતો બનાવટી ડોક્યુમેન્ટ રજૂ કરીને બોગસ ખેડૂત બન્યા હોવાનું બહાર આવ્યું હતું. જે બાબતની ગંભીરતા જોતા પ્રાથમિક તબક્કે એક સાથે 500 ખેડૂતોને પુરાવા રજૂ કરવા માટે પ્રાથમિક ધોરણે નોટિસો આપવામાં આવી હતી. 10 દિવસમાં પુરાવા રજુ કરવાના હતા, પરંતુ 500 પૈકી 240 ખેડૂત ખાતેદારો આજદિન સુધી મામલતદાર કચેરીએ ડોકાયા નથી. જેમને બોગસ ખેડૂતો હોવાનું માની કડક કાર્યવાહી કરાશે.

પ્રાથમિક તબક્કે 627 કેસ બોગસ અને શંકાસ્પદ
મામલતદાર પી.સી. ભગતે જણાવ્યું હતુ કે 1730 કેસોની તપાસ કરતા પ્રાથમિક તબક્કે 627 કેસ બોગસ અને શંકાસ્પદ જણાઈ આવ્યા હતા. જે બાદ એક સાથે 500 ખાતેદારોને 10 દિવસમાં ખેડૂત ખાતેદાર હોવાના પુરાવા રજૂ કરવા નોટિસ આપી જણાવવામાં આવ્યું હતુ. પરંતુ આજદિન સુધી ફક્ત 260 લોકો એ પુરાવા રજુ કર્યા છે, જેમના કેસ અત્રેની કોર્ટમાં ચાલી રહ્યા છે. જ્યારે 240 ખેડુત ખાતેદારો હજુ સુધી કચેરી પર ફરક્યા નથી. જેથી આ તમામ બોગસ ખેડૂત ખાતેદાર હોવા તરફ શંકા દોરી જાય છે.

વર્ષ 2012- 2013ના પણ કેટલાક કેસો જોવા મળ્યા
શનિવારે એકાએક રાજેન્દ્ર ત્રિવેદી માતર મામલતદાર કચેરીએ આવી પહોંચ્યા હતા. જ્યા રેવન્યુ મિનિસ્ટરે માતર મામલતદાર ભગત પાસેથી આ કૌભાંડની સંપૂર્ણ માહિતી મેળવી હતી. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મુલાકાત લઇ આગળની તપાસ હાથ ધરી છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં હડંકપ મચી ગયો છે. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સરકારે નિર્ણય કર્યો છે કે કોઈપણ બોગસ ખેડૂત ગમે તેટલો મોટો ચબરબંધી હશે પણ જો બનાવટી ખેડૂત બનીને ખેડૂત બનવા જશે તો આ સરકાર નહીં બનવા દે. તેની જમીન સરકાર હસ્તક થઈ જશે. અમારી પોતાની વ્યવસ્થા છે અમે પણ બાતમીદારો રાખીએ છીએ અને તેના લીધે જ અમને માહિતી મળતી હોય છે. આ માહિતી છેલ્લા બે મહિનાથી ચાલુ હતી અને આ માહિતીના આધારે કેસો તપાસવામાં આવ્યા છે. બે મહિનાની મહેનત છે વર્ષ 2012- 2013ના પણ કેટલાક કેસો જોવા મળ્યા છે. અહીંયા અધિકારી સામે પણ આક્ષેપો થયા છે. આવા અધિકારીઓને પણ અમે છોડીશું નહીં.

ખોટા ઉતારા મેળવી નોંધ પડાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું
આમ છતાં પણ માતર તાલુકામા જમીન વેચાણ રાખનારમાં મોટેભાગે અમદાવાદના દસકોઈ, નારોલ, પેટલાદ, પ્રાંતિજ, નડિયાદ ગ્રામ્ય, ધોળકા, ઊંઝા, શહેરા, ખેડા, ડભોઈ, થરાદ, રાણપુર, મહેમદાવાદ, સાણંદ, ધોળકા, સોજીત્રા, મહુધા, સિનોર, અંકલેશ્વર, ખંભાળિયા, ભાણવડ એવા તાલુકાના ગામોના ભળતા નામોના વ્યક્તિઓએ જે ખેડૂત ખાતેદાર હોય તેમના સાતબારના ઉતારા મેળવી આ જમીનો વેચાણ રાખી ખોટી નોંધ પડાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આમાં ક્યાંક ને ક્યાંક જે તે સમયે તંત્રની પણ ચૂક અને બદ ઈરાદો હોવાનું પણ શક્યતા હોવાનું જણાય આવ્યું છે.

તાજેતરમાં પૂર્વ IAS અધિકારી બોગસ ખેડૂત ખાતેદાર બન્યા હોવાનો પર્દાફાશ થયો હતો
​​​​​​​
તંત્ર દ્વારા બોગસ ખેડૂતોની થઈ રહેલી તપાસના લપેટામાં પૂર્વ કલેકટર પણ આવી ગયા છે. માતર તાલુકાના વિરોજા ગામે બોગસ ખેડૂત કૌભાંડની તપાસમાં બે વર્ષ અગાઉ પૂર્વ કલેકટર તરીકે નિવૃત્ત થયેલા એસ.કે. લાંગાનું નામ બહાર આવ્યું હતું. તંત્ર દ્વારા આ મામલે ગણોતધારા મુજબ ગુનો પણ દાખલ કરી કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે. રિટાયર્ડ કલેક્ટર દ્વારા વિરોજા ગામે 4 હેક્ટર 22.44 ગુંઠા જેટલી જમીન ચાલુ વર્ષે 2022માં ખરીદી છે, જેનો સર્વે નં.280 છે.

અન્ય સમાચારો પણ છે...